બનાસકાંઠા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો સરકાર દ્વારા જાહેર કરવામાં આવી રહેલી 500 કરોડની સહાય માટે સવારથી જ પાલનપુર કલેકટર કચેરી બહાર ધરણાં ઉપર બેસશે.જેથી સોમવાર દિવસ દરમિયાન તંબુ સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. કોરોના મહામારી દરમિયાન ગૌશાળા-પાંજરાપોળ સંચાલકોની દાનની આવક ઘટી જતાં સરકાર સમક્ષ સહાયની માંગ કરવામાં આવી હતી. આથી ગુજરાત સરકાર દ્વારા ગૌશાળા - પાંજરાપોળમાં આશ્રિત પશુઓ માટે પાંચ મહિના અગાઉ 500 કરોડની સહાય મંજૂર કરવામાં આવી હતી.
પરંતુ આજ દિન સુધી સરકાર દ્વારા સહાયનો એક પણ રૂપિયો આપ્યો નથી અને અમલવારી પણ કરવામાં આવી નથી. જેથી સંચાલકોને અબોલ પશુઓનો નિભાવ કરવો મુશ્કેલ બની રહ્યો છે. જેથી ગૌશાળા પાંજરાપોળ ફેડરેશન દ્વારા આજે મંગળવારે સવારે 9-30 કલાકથી કલેકટર કચેરી બહાર મુલ્કી ભવન આગળ સહાય માટે પ્રતિક ઉપવાસ શરૂ થનાર છે. જેમાં જીલ્લાની વિવિધ ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો ઉપરાંત સંતો-મહંતો અને ગૌભકતો મોટી સંખ્યામાં ઉપવાસમાં જોડાશે તેમ જિલ્લા ગૌશાળા-પાંજરાપોળ ફેડરેશનના જગદીશભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
સાધુ-સંતો પણ જોડાશે
હિન્દુત્વ અને ગાય માતાના નામે વોટ મેળવી સત્તા માં બેઠેલી સરકારના રાજમાં ગૌમાતાની સહાય લાગુ કરાવવા સાધુ સંતોને ઉપવાસ પર બેસવું પડે તે દુઃખદ છે. બનાસકાંઠા ના 100 થી વધુ સાધુ-સંતો અને 200 થી વધુ ગૌભકતો ની ઉપસ્થિતિમાં ઉપવાસ ની શરૂઆત કરાશે તેમ ગૌશાળા પાજરાપોળના મિડિયા કો.ઓડીનેટર જગદીશ સોલંકીએ જણાવ્યું હતું.
પ્રતિક ઉપવાસની મંજૂરી લેવાઈ છેે :પીઆઈ
પાલનપુર કલેકટર કચેરી ખાતે સાધુ-સંતોના પ્રતિક ઉપવાસ અંગે મંજૂરી લેવાઇ છે.13 પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહેશે.: આર.આર.રાઠવા (પી.આઈ પશ્ચિમ પોલીસ મથક, પાલનપુર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.