ડીસા નગરપાલિકાના ભાજપના શાસકો વચ્ચે ચાલતા આંતરિક વિખવાદના કારણે બીમારીનું કારણ ધરી પ્રમુખ રજા ઉપર ઉતરી જતા આજે મળેલી સામાન્ય સભા કોઈપણ પ્રકારના વિકાસના કામોની ચર્ચા વગર માત્ર પાંચ મિનિટમાં પૂર્ણ કરી વિપક્ષી સભ્ય સહિત શાસક પક્ષના કેટલાક સભ્યોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
પ્રમુખ બીમારીનું કારણ ધરી રજા ઉપર ઉતરી ગયા
ડીસા નગરપાલિકામાં છેલ્લા સાત વર્ષથી ભાજપ સત્તા સ્થાને છે. જેમાં ઘણા લાંબા સમયથી ભાજપમાં આંતરિક જૂથ બંધીના કારણે અનેક વિકાસના કામો થઈ શકયા નથી. જેનું એક ઉદાહરણ ડીસા શહેરમાં બનેલ નાનાજી દેશમુખ બાગ છે. જે ભાજપના શાસકોના આંતરિક ડખાના કારણે કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ આજે વેરાન બની ગયો છે. ત્યારે હજુ પણ શાસકોમાં આંતરિક વિખવાદ ચાલી રહ્યો હોઈ હાલમાં જ ડીસા નગરપાલિકાના પ્રમુખ બીમારીનું કારણ ધરી રજા ઉપર ઉતરી ગયા હોવાની ચર્ચા શહેરભરમાં થઈ રહી છે. ત્યારે આજે ડીસા નગરપાલિકામાં મળેલી સામાન્ય સભા માત્ર વંદે માતરમનું ગીત ગઈ પાંચ મિનિટમાં પૂરી કરી દેવાતા આશ્ચર્ય સર્જાયું છે. એક તરફ ચોમાસાના વાતાવરણના લીધે રોગચાળો ફેલાયેલો છે. વરસાદના કારણે ઠેર ઠેર રસ્તાઓ તૂટી ગયેલા છે. ત્યારે આવા તાકીદના કામોની ચર્ચા કરવાની જગ્યાએ તેમજ વિપક્ષી સભ્યોની કોઈ પણ રજૂઆત સાંભળ્યા સિવાય પાલિકાના ઇન્ચાર્જ પ્રમુખે બે મિનિટમાં બોર્ડ પુરુ કરી દેતા વિપક્ષી સભ્ય સહિત નગરજનોમાં રોષ ફેલાયેલો જોવા મળ્યો છે.
ડીસા પાલિકાના વિપક્ષના નેતા ડો.ભાવિબેન શાહે જણાવ્યું હતું કે, ભાજપના શાસકો તેમના આંતરિક વિખવાદમાંથી બહાર આવતા નથી અને શહેરનો વિકાસ ખાડે ગયો છે. બોર્ડમાં વિપક્ષને બોલવાની પણ તક આપવામાં આવતી નથી અને કોઈ રજૂઆત સાંભળવામાં આવતી નથી. ભ્રષ્ટાચારમાં ડૂબેલા શાસકો અત્યારે ચોમાસામાં રોડ રસ્તાના કામો, રોગચાળો જેવી મહત્વની ચર્ચા કરવા પણ તૈયાર નથી. જય ડીસા નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ સવિતાબેન હરિયાણીએ વિપક્ષના આક્ષેપોને નકાર્યા હતા અને વિપક્ષનું તો આ કામ જ વિરોધ કરવાનું છે તેમ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.