બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઈરસને લઈ વ્યક્તિ સામે પ્રથમ ફરિયાદ નોંધાઇ હોવાની ઘટના સામે આવી છે. લમ્પી વાઈરસને લઈ પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ હોવા છતાં પણ પાટણ થી પશુઓ ભરી ડીસા તરફ આવી રહેલા જીપડાલા ચાલક સામે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં 2852 પશુઓ લમ્પી વાઈરસથી સંક્રમિત
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઈરસ તેનો કહેર વરસાવી રહ્યો છે. અત્યાર સુધીમાં જિલ્લામાં કુલ 9 તાલુકામાં 2852 પશુઓ લમ્પી વાઈરસથી સંક્રમિત થયા છે અને કુલ 63 પશુઓ મોતને પણ ભેટયા છે. જેને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલે આગામી 10 ઓગસ્ટ સુધી એક ગામથી બીજે ગામ પશુઓની ફેરાફેરી પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તેમ છતાં પણ પાટણથી પશુઓ ભરીને એક જીપડાલું ડીસા તરફ આવી રહ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન પશુઓ જીપડાલામાં ભરેલા હોવાનું માલુમ પડતા ગાડી ચાલક બાબરભાઈ રબારી સામે જિલ્લા જિલ્લા કલેકટરના જાહેરનામાના ભંગ કરવા બદલ આઇપીસી કલમ 188 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે મામલે ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.