ડીસામાં તહેવારના સમયમાં જ બગીચા સર્કલ પાસે ટ્રાફિકજામ થઈ જતા દર વખતે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. બગીચા સર્કલ પાસે ટ્રાફિક પોઈન્ટ હોવા છતાં પણ વારંવાર ટ્રાફિકજામ થતા ટ્રાફિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આડેધડ વાહનોનું પાર્કિંગ અને ભારે વાહનોના કારણે શહેરના સર્કલો પર વારંવાર ટ્રાફીક જામના દૃશ્યો સર્જાઈ રહ્યાં છે. જેમાં ખાસ તહેવારના સમયમાંજ વાહનચાલકોને ટ્રાફીકજામમાં ભરાઈ રહેવું પડે છે. પાલનપુરથી આવતી બસો અને ડીસાથી પાટણ જતી બસો બગીચા સર્કલ પાસે ઉભી રહેતા અનેકવાર ટ્રાફિકજામ થઈ જાય છે. જેને લઈને રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
આજે તો 108 એમ્બ્યુલન્સ વાન પણ વારંવાર ટ્રાફીકજામમાં ફસાઈ જતા ટીઆરબી જવાનોએ તેને બાયપાસ કરાવી હતી. વારંવાર સર્જાતા ટ્રાફીક જામના દૃશ્યોને દુર કરવા માટે હવે ધારાસભ્ય સહિત પાલિકા પ્રમુખ અને વહીવટીતંત્ર સ્થળ પર મુલાકાત કરી એસટી બસો માટે સર્કલથી દુર સ્ટેન્ડ આપવું તેમજ દિવસ દરમિયાન શહેરના સર્કલો પરથી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવે તેવી શહેરીજનોની માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.