ખેડૂતો પર દુ:ખના વાદળ ઘેરાયા:ડીસામાં વારંવાર ધુમ્મસ અને વાદળછાયુ વાતાવરણ રહેતા રવિપાકને નુકસાનની ભીતિ; ભર શિયાળે કમોસમી માવઠા જેવો માહોલ

ડીસા16 દિવસ પહેલા

ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ વાદળછાયા વાતાવરણને લઈ ખેડૂતોની ચિંતા વધી છે. વારંવાર વાતાવરણમાં પલટો આવતા ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. બટાટા, જીરું, એરંડા સહિત રવિપાકમાં નુકસાન થવાની ભીતિને લઈ ખેડૂતો ચિંતાતુર બન્યા છે.

બનાસકાંઠાના વાતાવરણમાં અચાનક જ સવારથી પલટો આવ્યો છે. ધુમ્મસ અને વાદળછાયા વાતાવરણને લઈ કમોસમી માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે. ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું છે. ખાસ કરીને બટાટા, ઘઉં, જીરું, એરંડા, રાયડા જેવા પાકોનું મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખી વાવેતર કર્યું છે, પરંતુ આ શિયાળાની સિઝનમાં ઠંડી ઓછી પડી છે અને આ રવિપાકોને પૂરતા પ્રમાણમાં ઠંડી ન મળવાના કારણે પાકોનો વિકાસ પણ થયો નથી. સાથે સાથે હિમ પણ અને મોલો નામની જીવાત પડવાથી ખેડૂતોને પૈસા ખર્ચી દવાનો છંટકાવ કરવો પડે છે, એટલે ખેડૂતોને એક તરફ ઉત્પાદન પર અસર અને બીજી તરફ દવાઓનો ખર્ચ કરવાથી બંને બાજુથી નુકસાન થઇ રહ્યું છે.

જો આવુજ વાદળછાયુ વાતાવરણ રહે અને આ પાકને તડકો ન મળે અથવા તો ઠંડી વધુ ન પડે તો ચોક્કસ ખેડૂતોને મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે તેમ છે. આ અંગે યુવા ખેડૂત અગ્રણી દીલીપ ઠાકોર અને કનવરજી વધાણીયાએ જણાવ્યું હતું કે, આ શિયાળામાં બરાબર ઠંડી પડી નથી જેના કારણે બટાટા સહિતના રવિપાકોમાં 15થી 20 ટકા જેટલું નુકસાન થયું છે. જે લોકોએ પાછોતરો વાવેતર કર્યું છે તેમને મોટું નુકસાન થવાની શક્યતા છે. હવે વારંવાર ધુમ્મસવાળું અને વાદળછાયુ વાતાવરણ રહેતા પાક પર માઠી અસર થશે.

અન્ય સમાચારો પણ છે...