વરસાદે ભારે તારાજી સર્જી:ડીસામાં ભારે વરસાદને પગલે 10થી વધુ ગામોમાં ખેતરો બેટમાં ફેરવાયા; ખેડૂતોનો પાક નષ્ટ થતા લાખો રુપિયાનું નુકસાન

ડીસા15 દિવસ પહેલા

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી સતત અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ડીસા પંથકના ગામડાઓના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, ધાનેરા ડીસા વચ્ચે આવેલા 10 જેટલા ગામડાઓના ખેતરોમાં બે થી પાંચ ફૂટ જેટલું પાણી ભરાઈ જતા ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડે છે.

ખેડૂતોને લાખો રુપિયાનું નુકસાન
ડીસા સહિત આજુબાજુના પંથકમાં છેલ્લા ચાર દિવસીય વિરોધ પણે ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ખાસ કરીને ડીસા તાલુકાના જેનાલ, વરણ, શેરપુરા, લક્ષ્મીપુરા , કંસારી સહિત આજુબાજુ નીચાંણ વાળા ગામના ખેતરોમાં પાણી નદીની જેમ વહેવા લાગતા જળબંબાકાર જેવી સ્થિતી સર્જાતા ખેડૂતોએ વાવેલ મહામૂલો મગફળીનો પાક નષ્ટ થતા લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે.

પાણીનો નિકાલ થાય તેવી ગ્રામજનોની માગ
2015 અને 2017માં પણ ભારે વરસાદના પગલે આ વિસ્તાર નદી બની ગયો હતો. તે વખતે પણ અહીંના ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. ત્યારબાદ આ વખતે ફરીથી ભારે વરસાદ ને લીધે અહીં નદીના પ્રવાહની જેમ પાણી વહેવા લાગ્યું છે. ખેડૂતોના ખેતરમાં બેથી પાંચ ફૂટ જેટલુ પાણી વહી રહ્યું છે. જેના કારણે ખેડૂતોએ ચોમાસાનું વાવેતર કર્યું હતું. તે તમામ પાણીમાં ગરકાવ થઈ ગયુ છે. અહીંના રસ્તા પર પણ પાણી વહેતા પશુપાલકોને દૂધ ભરાવવા માટે તેમજ લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલી સર્જાઈ છે. તો શાળાએ જતા બાળકો પણ દસ થી પંદર દિવસ પાણી નહિ ઓસરે ત્યાં સુધી શાળાએ જઈ શકે તેમ નથી. અહીંના ગામજનોની માંગ છે કે સરકાર દ્વારા યોગ્ય રીતે પાણીના નિકાલ માટેની વ્યવસ્થા થાય તો જ ખેડૂતોને દર વર્ષે નુકસાનમાંથી બચાવી શકાય તેમ છે.

અન્ય સમાચારો પણ છે...