સહાયની માગ:ડીસાના વરણ ગામના ખેડૂતોની એક જ માંગ : સહાય નહીં તો વોટ નહીં

ડીસા23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાણી ભરાતાં ખેડૂતોનો પાક નષ્ટ થઈ જતાં સહાયની માંગણી

ડીસા તાલુકાના વરણ ગામે ભારે વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલ ખેડૂતોનો પાક નષ્ટ થઈ જતા ખેડૂતોએ સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરાવી ખેડૂતોને થયેલ નુકસાનનું વળતર આપવામાં નહીં આવે તો વિધાનસભા ચૂંટણીમાં મત નહીંની ચિમકી ઉચ્ચારી હતી.

ચાલુ વર્ષે ડીસા સહિત બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે અનેક ગામોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. ત્યારે ડીસા તાલુકાના વરણ સહિતના આજુબાજુના અનેક ગામોમાં ભારે વરસાદના પગલે તબાહી સર્જાઇ હતી. સતત પાણીનો પ્રવાહ વધતા વરણ ગામના ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડૂતોને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી મગફળી, બાજરી સહિતના પાકોનું વાવેતર કર્યું હતું. પરંતુ ભારે વરસાદથી વાવેતર વરસાદી પાણીના વહેણમાં વહી જતા ફરી એકવાર ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે ડીસાના વરણ ગામમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકત્રિત થયા હતા અને ખેડૂતો જણાવી રહ્યા છે કે વરણ સહિત આજુબાજુના અનેક ગામોમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને મોટું નુકસાન થયું છે. જેથી સરકાર સમક્ષ વળતરની માંગ કરવામાં આવી હતી.

આ અંગે વરણના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ‘તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા આ વિસ્તારના ખેડૂતોની મુલાકાત લઇ ખેડૂતોને થયેલ નુકસાનની સહાય આપવામાં આવે અને જો સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં નહીં આવે તો આગામી વિધાનસભાની ચૂંટણીમાં આ ગામમાંથી એક પણ ખેડૂત વોટ ન કરી ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી ચિમકી ઉચ્ચારી હતી.’

અન્ય સમાચારો પણ છે...