શું ડીસા બટાટા નગરી તરીકેની ઓળખ ગુમાવશે?:બટાટાની ખર્ચાળ ખેતી અને પૂરતા ભાવ ના મળતા ખેડૂતો અન્ય ખેતી તરફ વળ્યાં, વાવેતરમાં 21 ટકાનો ઘટાડો

ડીસા21 દિવસ પહેલા

બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે બટાટાના વાવેતરમાં 21 ટકા જેટલો ઘટાડો થયો છે. બટાકાની ખેતી અન્ય ખેતી કરતા મોંઘી અને ખર્ચાળ છે અને છેલ્લા કેટલાક સમયથી પોષણક્ષમ ભાવો પણ ન મળતા ખેડતો બટાટાને બદલે અન્ય પાકો તરફ વળ્યા હોવાનું અધિકારીઓ અને ખેડૂતોનું માનવું છે.

ખેડૂતો રાયડો, ઘઉં, જીરુ અને એરંડાના વાવેતર તરફ વળ્યાં
બનાસકાંઠા જિલ્લામાં શિયાળાની સિઝનમાં વિવિધ પાકોનું બોહળા પ્રમાણમાં વાવેતર થાય છે. જેમાં રાયડો, ઘઉં, જીરુ, સહિત બટાટાનું સૌથી વધુ વાવેતર થાય છે, પરંતુ આ વર્ષે બટાટાનું વાવેતર ખૂબ જ ઘટ્યું છે. ગત વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વિસ્તારમાં 58,902 હેક્ટર જમીનમાં બટાટાનું વાવેતર થયું હતું. જેની સરખામણીમાં આ વખતે 53,547 હેક્ટર વિસ્તારમાં જ બટાટાનું વાવેતર થયું છે. જેમાં ખાસ કરીને બટાટા નગરી તરીકે ઓળખાતા ડીસા પંથકમાં પણ ગત વર્ષની સરખામણીએ 1342 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર ઘટ્યું છે. શરૂઆતમાં બટાટાના બિયારણના ઊંચા ભાવો અને ખાતરની અછત તથા વધતી જતી મોંઘવારી વચ્ચે બટાટાના ભાવમાં જોવા મળતા ઉતાર ચઢાવને લીધે ખેડૂતો બટાટા કરતા અન્ય પાકો તરફ વળ્યા છે. આ ઉપરાંત રાયડો, જીરું અને ઘઉં જેવા પાકોના ભાવમાં વધારો થયો છે. જેથી ખેડૂતો હવે બટાટાને બદલે અન્ય પાકોનું વાવેતર કરી રહ્યાં છે.

ચાલું વર્ષે 53,548 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર
ડીસા બટાટા સંશોધન વૈજ્ઞાનિક આર.એન.પટેલે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં 2018-19 માં 68,134 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર થયું હતું. ત્યારબાદ 2019 -20 માં તે ઘટીને 62,349 હેક્ટર થયું હતું. ત્યારબાદ 2020-21માં 58,903 હેકટર, 2021-22 માં 58,902 હેક્ટર અને ચાલું વર્ષે 2022-23 તે ઘટીને 53,548 હેક્ટર વિસ્તારમાં બટાટાનું વાવેતર કરવામાં આવ્યું છે. આમ જોઈએ તો છેલ્લા પાંચ વર્ષની અંદર બનાસકાંઠા જિલ્લામાં બટાટાનું વાવેતરમાં 21 ટકા જેટલો ઘટાડો નોંધાયો થયો છે.

ખેડૂતો ઓછા ખર્ચ અને ઓછા જોખમ વાળી ખેતી તરફ વળ્યાં
ગુજરાતમાં સૌથી વધુ બટાટાનું વાવેતર ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં થાય છે. પરંતુ છેલ્લા દસ વર્ષથી સતત બટાકાની ખેતી મોંઘી થઈ છે અને તેની સામે બટાટાના ભાવ પણ પૂરતા મળતા નથી. જેથી ખેડૂતો ઓછા ખર્ચ અને ઓછા જોખમ વાળી ખેતી તરફ વળ્યા છે અને છેલ્લા 5 વર્ષમાં બટાટાની ખેતી વિસ્તાર 21 ટકા ઘટ્યો છે. ત્યારે જો આવું જ રહેશે તો આવનાર સમયમાં ડીસા બટાટા નગરી તરીકેની ઓળખ પણ ગુમાવી દે તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...