ડીસા દાડમના વેપારીની છેતરપિંડીના ગુનામાં રાજસ્થાનના જાલોરની સાયલા પોલીસે અટકાયત કરી છે. વેપારીએ સાયલામાં ત્રણ છૂટક વેપારી પાસેથી આશરે 10 લાખની કિંમતની દાડમ ખરીદી પૈસા ન આપી છેતરપીંડી આચરી ફરાર થઈ ગયા હતો. બાદમાં નાસતા ફરતા હોવાથી સાયલા પોલીસે અટકાયત કરી તપાસ હાથ ધરી છે.
રૂ.1 લાખ જમા કરાવી બાકીના પૈસા ન આપ્યા
જાલોર એસ.પી. હર્ષવર્ધન અગ્રવાલની સુચના મુજબ જિલ્લામાં છેતરપિંડીના બનાવો અટકાવવા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત સાયલા ખાતે રહેતા દાડમના ખેડૂત અને છૂટક વેપારી ગુલામખાન સિંધીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી કે, લગભગ 3-4 મહિના પહેલા ડીસાના લક્ષ્મણ માળી અને જયેશ માળી નામના વેપારીએ તેમની પાસે થી 4.54 લાખના 7 ટન દાડમ લઇ ગયા હતા. જેમાં એક લાખ રૂપિયા જમા કરાવી બાકીના પૈસા આપ્યા ન હતા.
સાયલા પોલીસે વધુ તપાસ ચલાવી
આ સિવાય બીજા મિત્ર કબીર ખાન અને સોમત ખાન પાસેથી પણ આજ રીતે દાડમ ખરીદી અંદાજીત 10 લાખ રૂપિયા લેવાના બાકી નીકળે છે. વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા ન ચૂકવી ખેડૂતો સાથે છેતરપિંડી આચરી હતી. જે અંગે સાયલા પોલીસે આઈપીસી કલમ 420, 406, 384, 120 B હેઠળ ગુનો નોંધી તપાસ કરતા આરોપી લક્ષમણ માળીની અટકાયત કરી છે. જ્યારે રમેશ અને જયેશ નામના બે ડીસાના આરોપીઓ હજુ ફરાર છે. જે અંગે સાયલા પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.