ડીસા તાલુકા સંઘની લાખણી ખાતે આવેલી મિલ્કત વહીવટદાર સમિતિએ માર્કેટ વેલ્યુ કાઢ્યા વગર બારોબાર વેચી દેવા મામલે 6 અરજદારોએ ફરિયાદ કરી હતી. જેમાં સહકારી મંડળીના સભ્યોએ દિયોદર નાયબ કલેક્ટરની કોર્ટમાં નોંધ સામે વાંધો રજૂ કરતા કોર્ટે નોંધને નામંજુર કરી છે.
ડીસા તાલુકા ખરીદ વેચાણ સંઘ લી.ને સરકારે લાખણી ખાતે ગોડાઉન બનાવવા અને ખાતર સંગ્રહ કરી ખેડૂતોને નજીકમાં ખાતર સમયસર મળી રહે તે માટે લાખણી પંચાયતની હદમાં ગોડાઉન બનાવવા માટે જમીન ફાળવેલી હતી. જે ખાતરના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતી હતી. પંરતું ડીસા તાલુકા સંઘની વહીવટદાર સમિતિના સભ્યો આ ગોડાઉનની જમીન માર્કેટ વેલ્યુશન કાઢ્યા વગર તેમજ સંઘે એજન્ડા પાડ્યા વગર બારોબાર વેચી દીધી હતી અને જિલ્લા રજીસ્ટારની પૂર્વ મંજૂરી પણ લીધી ન હતી.
સંઘના સંચાલકોએ હોંદ્દાનો ખોટી રીતે ઉપયોગ કરી વાલજી પટેલને મિલકત વેચી દીધા બાદ જમીન મહેસુલ નિયમો 1972ના નિયમ 108(1) તળે વિવાદ અરજી દિયોદર નાયબ કલેક્ટરની કોર્ટમાં રજૂ કરી હતી. જેમાં 6 જેટલા અરજદારોની રજૂઆત બાદ કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ વિવાદ અરજી અંશત: મંજુર કરી જમીન બિન ખેતી હોઈ ગામ નં. 7નું પાનિયું બંધ કરી ગામ નં. 2 નિભાવવા અને દરખાસ્ત કરવા મામલતદાર લાખણીને સૂચના આપવામાં આવી હતી. વેચાણ નોંધ નંબર 8577 અન્વયે થયેલ વેચાણ ધારાધોરણસરની પ્રકિયા અનુસરીને થયેલી જણાતું ન હોઈ નોંધ 8577ને ના મંજૂર કરવા હુકમ કરવામાં આવ્યો છે.
જોકે દિયોદર નાયબ કલેક્ટરની કોર્ટમાં નોંધ નામંજૂર થતા સંઘના વહીવટદાર સમિતિની ચૂક અથવા સમિતિએ ક્યાંક જમીન વેચાણમાં ગેરનિતી આચરી હોય તે સ્પષ્ટ જણાઈ આવે છે. જોકે હવે આ જમીનના વિવાદને લઈ આવનાર સમયમાં નવો વળાંક આવી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.