ડીસા તાલુકા પોલીસ મથક ખાતે આજે ડીવાયએસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં ગ્રામીણ વિસ્તારના સરપંચો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગ્રામીણ વિસ્તારના લોકોને હેરાન કરતા વ્યાજખોરો સામે લડત આપવા પોલીસે સહકાર માંગ્યો હતો.
ડીસા તાલુકા પોલીસે વ્યાજખોરો સામે અવાજ બુલંદ કરવા સરપંચો, આગેવાનો અને શ્રમિકો સાથે લોકદરબાર યોજયો હતો.લોક દરબારને સંબોધન કરતાં ડીવાયએસપી ડો કુશલ ઓઝા અને પીઆઈ એસ એમ પટણીએ જણાવ્યું હતું કે, શહેરમાં કે ગામમાં લાઈસન્સ કે પરવાના વગર ગરીબ અને શ્રમિક લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી તેમની પાસેથી પઠાણી વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
નાણાં ધીરધાર અધિનિયમની કલમ હેઠળ પોલીસ મથકના હદ વિસ્તારમાં રજીસ્ટ્રેશન કે નોંધણી કરાવ્યા વિનાના વ્યક્તિઓ નાણાં ધીરધારનો કે વ્યાજ વટાવનો ધંધો કરી શકશે નહીં. નિયત ધીરધારો સરકારે નિયત કરેલા વ્યાજ દરથી વધુ વ્યાજ દરની રકમ વસૂલ કરી શકશે નહીં. જો કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરશે તો તે ગંભીર સજાને પાત્ર ઠરશે. શહેરમાં આવા ગેરકાયદેસર નાણાં ધીરધારની પ્રવૃત્તિ ચાલતી હોય તો પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા જણાવ્યું હતું. જેમાં જાણ કરનારની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેમ જણાવી લોકોને વ્યાજખોરોની બદીને ડામવા માટે પોલીસને સહકાર આપવા અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.