ઉત્તરાયણ પર્વની ધૂમ ઉજવણી:ડીસા વાસીઓ અડધા કરોડનું ઊંધીયુ, જલેબી, ફાફડા જાપટી ગયા; સવારથી જ નાસ્તા સ્ટોલ પર લોકોની ભીડ જામી

ડીસા15 દિવસ પહેલા

ડીસા શહેરમાં ઉત્તરાયણના દિવસે અડધા કરોડ રૂપિયાનું ઊંધિયુ, જલેબી ફાફડા જાપટી ગયા છે. વિવિધ નાસ્તાની સ્ટોલ પર વહેલી સવારથી જ લોકોને કતાર લાગી હતી. તાજુ ઉંધીયુ, જલેબી, ફાફડા ખરીદી ધાબા પર પરિવાર સાથે જયાફત માણી હતી.

ગુજરાતીઓમાં ઉત્તરાયણના દિવસે ઊંધીયુ, જલેબી, ફાફડાનો નાસ્તો કરવાનો અનેરો ક્રેઝ છે. ત્યારે ડીસા શહેરમાં પણ આજે લોકોએ વહેલી સવારથી જ જલેબી ફાફડાના સ્ટોલ પર લાંબી કતારો લાગી હતી. શુદ્ધ અને દેશી નાસ્તો લેવા માટે લોકો પડાપડી કરતા નજરે પડ્યા હતા. ડીસા શહેરમાં અંદાજિત 100થી પણ વધુ નાસ્તાના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા.

જ્યાં ઊંધિયું 240 રૂ. કિલો, જલેબી 360 અને ફાફડા 240 રૂ. એ કિલોના ભાવે વેચાયા હતા. એક અંદાજ મુજબ શહેરમાં અંદાજીત 18થી 20 હજાર કિલો ઊંધિયું, જલેબી, ફાફડા વેચાયા હતા. વહેલી સવારથી ધાબા પર ચડી પતંગ ચગાવતા લોકોએ પરિવાર સાથે નાસ્તાની જયાફત પણ માણી હતી. ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ બાદ લોકો કોરોનાથી સંપૂર્ણ ભય મુક્ત થઈ કોઈ પણ પ્રકારના નિયંત્રણ વગર ઉત્તરાયણ પર્વ ઉજવ્યો હતો. જેથી લોકોએ દિવસભર પરિવાર સાથે પતંગ ઉત્સવની સાથે સાથે વિવિધ પ્રકારના ચટાકેદાર નાસ્તાની પણ મજા માણી હતી.

અન્ય સમાચારો પણ છે...