ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા તત્વો પર પોલીસ તવાઈ બોલાવી રહી છે. જેમાં ડીસા ડિવિઝનમાં એક જ અઠવાડિયામાં 11 કેસમાં કડી પોલીસે લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરતા ચાઈનીઝ દોરીનું વેચાણ અને ખરીદી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
ઉતરાયણ પર્વ નજીક આવી રહ્યો છે. ત્યારે ડીસા તેમજ આજુબાજુના વિસ્તારોમાં ચાઈનીઝ દોરી, તુક્કલ સહિત પ્રતિબંધિત ચીજ વસ્તુઓનું વેચાણ પણ વધી રહ્યું હોવાની માહિતી મળતા જ પોલીસ સતર્ક બની છે. છેલ્લા એક અઠવાડિયાની અંદર અલગ અલગ જગ્યાએ 11 જેટલા કેસોમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ કરાયો છે. પોલીસે ન માત્ર ચાઈનીઝ દોરી સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, પરંતુ આ ચાઈનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી હતી. તે અંગે પણ ઝીણવટ ભરી તપાસ શરૂ કરી છે.
આ અંગે ડીસા વિભાગના ડીવાયએસપી ડૉ. કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે, પોલીસ ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા વેપારીઓ પર બાજ નજર રાખી રહી છે અને એક જ અઠવાડિયામાં 11 જેટલા કેસો કર્યા છે. આ મૂહીમ આગળ પણ ચાલુ રહેશે. સાથે જ લોકોને પણ અપીલ કરી છે કે, લોકો અને પશુ પક્ષીઓ માટે ઘાતક એવી ચાઈનીઝ દોરીનો ઉતરાયણમાં ઉપયોગ ન કરે તેમ જ આવી કોઈ માહિતી મળે તો તાત્કાલિક ડીસા સહિત આજુબાજુના નજીકના પોલીસ મથકે જાણ કરી ચાઈનીઝ દોરીનો ઉપયોગ અને વેચાણ અટકાવવામાં પોલીસને મદદ કરે તેવી અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.