લમ્પી વાઈરસ મામલે ડીસામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાની ઘટના સામે આવી છે. લમ્પી વાઈરસને લઈ પશુઓની હેરાફેરી પર પ્રતિબંધ હોવા છતાં આખોલ ગામેથી પશુઓ ભરીને ડીસા તરફ આવેલ જીપડાલા ચાલક સામે ડીસા ઉત્તર પોલીસ મથકે જાહેરનામા ભંગની ફરિયાદ નોંધાઇ છે.
જીપ ચાલકની અટકાયત કરાઈ
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લમ્પી વાઈરસ છેલ્લા 15 દિવસથી હાહાકાર મચાવી રહ્યો છે અને રોજે રોજ વધુ અને વધુ પશુઓ લમ્પીથી સંક્રમિત થઈ રહ્યા છે. જેને લઇ જિલ્લા કલેકટર દ્વારા પશુઓની એક ગામથી બીજે ગામ સહિત કોઈ પણ પ્રકારની હેરાફેરી પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તેમ છતાં પણ કેટલાક લોકો જિલ્લા કલેકટરના આદેશની અવગણ ના કરી મનમાની ચલાવી રહ્યા છે. જે અંતર્ગત ડીસાના આખોલ ગામેથી પશુઓ ભરેલું એક જીપડાલુ ડીસા તરફ આવી રહ્યું હતું. વાહન ચેકિંગ દરમિયાન પોલીસે જીપડાલા ચાલકની અટકાયત કરી હતી અને આખોલ ગામના રહેવાસી અને જીપડાલાના ચાલક ગોવિંદ સોલંકી સામે જિલ્લા કલેકટરના જાહેરનામા ભંગ બદલ IPC 188 મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી લમ્પી વાઈરસને લઈ ડીસામાં જાહેરનામાં ભંગની બીજી ફરિયાદ નોંધાઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.