નિર્દોષ પશુઓની કત્લેઆમ પર લાગશે રોક:ગુજરાતમાં ચાલતા ગેરકાયદેસર કતલખાના સામે કડક કાર્યવાહીની માગ; ડીસાના અરજદારે હાઇકોર્ટેમાં PIL દાખલ કરતા કાર્યવાહી શરૂ

ડીસાએક મહિનો પહેલા

ગુજરાતમાં ચાલી રહેલા ગેરફાયદેસર કતલખાનાઓ મામલે ડીસાના જાગૃત નાગરિકે હાઇકોર્ટમાં PIL દાખલ કરતા કાર્યવાહી શરૂ થઈ છે. અરજદારની માંગ છે કે અત્યાર સુધી કોની રહેમ નજર હેઠળ કતલખાનાઓ ચાલતા હતા તે અધિકારીઓ સામે પણ કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ કરી છે.

હાઇકોર્ટમાં PIL દાખલ કરતા આ મામલે કાર્યવાહી શરૂ
બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં બે પાંચ નહીં પરંતુ હજારો ગેરકાયદેસર કતલખાના ધમધમી રહ્યા છે. જેમાં રોજબરોજ અનેક નિર્દોષ પશુઓની કત્લેઆમ થાય છે. જે મામલે ડીસાના જાગૃત નાગરિક અને જાણીતા વકીલ ધર્મેન્દ્ર ફોફાણીએ ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરાવવા માટે ઝૂંબેશ શરૂ કરી છે. જેમાં સૌપ્રથમ તેમણે કતલખાનાઓ બાબતે માહિતી એકઠી કરી સ્થાનિક કક્ષાએ લેખિત રજૂઆતો કરી હતી. ત્યારબાદ તેમણે 2018માં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ ગેરકાયદેસર કતલખાના સંચાલકો સામે કોઈ જ કાર્યવાહી ન થતા આખરે અરજદાર ધર્મેન્દ્રે હાઇકોર્ટમાં PIL દાખલ કરતા આ મામલે હવે કાર્યવાહી શરૂ થઈ છે.

2012માં સ્ટેટ કમિટી ફોર સ્લોટર હાઉસની રચના થઈ હતી
આ અંગે અરજદારે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે 2012માં સ્ટેટ કમિટી ફોર સ્લોટર હાઉસની રચના કરી હતી અને એ કમિટીની ગાઈડલાઈન પ્રમાણે કતલખાનાઓ ચલાવવા માટે લાયસન્સ આપવાના હતા. પરંતુ આ કમિટી અને તેને સંલગ્ન ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ, પોલીસ વિભાગ, પોલ્યુશન વિભાગ અને ટ્રાન્સપોર્ટેશન વિભાગ ગેરકાયદેસર કતલખાના મામલે કોઈ જ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. જેથી ફરિયાદ બાદ હાઇકોર્ટે આ મામલે સરકારી તંત્ર પાસે કમિટીએ અત્યાર સુધી કરેલી કામગીરીની વિગતો મંગાવી છે. પરંતુ તે વિગતો પણ વિશ્વસનીય ન લાગતા હવે જીલ્લા કક્ષાએ જ્યુડિશિયલ વિભાગ મારફતે આ તમામ માહિતી એકઠી કરી આપવા જણાવ્યું છે.

અત્યારે ગુજરાતમાં માત્ર આઠ જ કતલખાનાઓ કાયદેસર
​​​​​​​ઉલ્લેખનીયછે કે સરકારી આંકડા મુજબ અત્યારે ગુજરાતમાં માત્ર આઠ જ કતલખાનાઓ કાયદેસર છે, જેમાં એક કતલખાનું અત્યારે સીલ થયેલું છે. બાકીના ત્રણ કતલખાના પાસે ફૂડ સેફ્ટીના લાયસન્સ નથી. એટલે માત્ર ચાર કતલખાનાઓ જ કાયદેસર કહી શકાય. તેમ છતાં ગુજરાતમાં હજારો નહીં પરંતુ લાખો કતલખાનાઓમાં રોજ નિર્દોષ પશુ-પક્ષીઓની ખુલ્લેઆમ હત્યા થઈ રહી છે. જેથી અરજદારે આ કતલખાનાઓ કોની રહેમ નજર હેઠળ ચાલે છે, તે તમામ અધિકારીઓ અને વિભાગ સામે પણ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...