ડીસા શહેરના ટેલિફોન એક્ષચેન્જ પાછળ અને જુના બસ સ્ટેશનના મુખ્ય રસ્તા પર કચરા સહિત ગંદકીના ઢગથી રાહદારીઓ પરેશાન થઇ ઉઠ્યાં છે. નગરપાલિકા દ્વારા અન્ય સ્થળેથી એકત્ર કરેલો કચરો રસ્તા પર નાખતા હોવાની બૂમરાણ ઉઠવા પામી છે.
અનેક વિસ્તારના મુખ્ય રસ્તાઓ પર કચરાના ઢગ જોવા મળી રહે છે. ડીસા શહેરના જુના બસ સ્ટેશન રોડ ઉપર આવેલ સંતોષી માતાજીના મંદિર સામે ગટર અને કચરાની ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. પ્લાસ્ટિક અને ગંદકીના કારણે આખલાઓ અને ભૂંડનો ત્રાસ પણ વધી રહ્યો છે.
આ ઉપરાંત ટેલિફોન એક્ષચેન્જ અને પોસ્ટ ઓફીસથી નિકળવાના મુખ્ય રસ્તા પર પણ કચરો અને અસહ્ય ગંદકીથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે.પાલિકાના સેનિટેશન શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, શહેરમાં નિયમિત સાફ સફાઇ કરાવવામાં આવે છે પરંતુ કયાંય પણ કચરો કે ગંદકી જણાશે તો તાત્કાલિક અસરથી દુર કરાવી સાફસફાઇ કરાવવામાં આવશે.’
ટેલિફોન એક્ષચેન્જ પાછળથી તાલુકા શાળા જવાના મુખ્ય રસ્તા પર આવેલી વિજ ડીપીઓ નજીક આસપાસની સોસાયટીમાં ભેગો કરેલો કચરો જ સફાઈ કામદારો રસ્તા પર ફેકે છે. જેથી ગંદકીની સાથે સાથે મચ્છરોનો પણ ઉપદ્રવ વધી રહ્યો છે તેમ સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.