નોટીસ:ડીસાની આદર્શ સ્કૂલને સ્ટેમ્પ ડ્યુટીના 2.91 કરોડ ભરવા આદેશ

ડીસા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સંસ્કાર મંડળને તંત્ર દ્વારા મકાન બાંધકામ માટે 1673 ચો.મી. અને મેદાન માટે 5453 ચો.મી. જમીન ફાળવાઈ હતી
  • સંસ્થા દ્વારા જો 21 દિવસમાં રકમ જમા કરાવવામાં નહી આવે તો કડક કાર્યવાહી કરવા અધિક કલેકટરે તાકીદ કરતાં દોડધામ

ડીસાની સંસ્કાર મંડળ આદર્શ સ્કુલના બાંધકામ અને રમત ગમતના મેદાન માટે ભાડા પટ્ટાથી ફાળવવામાં આવેલ જમીનના તફાવતના 2.91 કરોડ રૂ. 21 દિવસમાં જમા કરાવવા માટે અધિક નિવાસી કલેકટર દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. અને જો સમય મર્યાદામાં રકમની ભરપાઇ કરવામાં નહીં આવે તો હવે જમીન ફાળવણીનો હુકમ રદ કરવાની ચીમકી આપવામાં આવી છે.

સંસ્કાર મંડળ આદર્શ હાઈસ્કૂલને ડીસાના સર્વે નંબર 89 પૈકીની શાળાના મકાન બાંધકામ માટે 1673 ચોરસ મીટર અને રમત ગમતના મેદાન માટે 5453 ચોરસ મીટર જમીન કલેકટર રા તા.18 ડીસેમ્બર 2015 ના રોજ ભાડાપટ્ટાથી ફાળવવામાં આવી હતી. પરંતુ જમીનની ફાળવણી સામે ડીસા નગરપાલિકાનો સમાવેશ "અ’ વર્ગની નગરપાલિકામાં થતો હોઈ મહેસુલ વિભાગના તા.29 સપ્ટેમ્બર-2009 ના ઠરાવની જોગવાઈ મુજબ બજાર કિંમતના 50 ટકા મુજબ કબજા હકકની રકમ રૂ.3,25,19,760 વસુલ લેવાની થતી હતી.

પરંતુ ડીસા નગરપાલિકાને "બ’ વર્ગની નગરપાલિકા ગણી બજાર કિંમતના 25 ટકા મુજબ કબજા હકકની રૂ.52,11,570 વસુલ લેવામાં આવી હતી. જેથી તફાવત મુજબ બાકી નિકળતા 2,73,08,190 રૂપિયા જમા કરાવવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત જમીન ફાળવણીની સ્ટેમ્પ ડયુટીના રૂ.21,07,729 ની જગ્યાએ સંસ્થા દ્વારા તા.3 નવેમ્બર-2015 ના રોજ રૂ.2,23,803 સરકારમાં જમા કરાવ્યા હતા. જો કે, સ્ટેમ્પ ડયુટી તફાવતના બાકી નિકળતા રૂ.18,83,926 રૂપિયા પણ જમા કરાવવા તાકીદ કરવામાં આવી છે.

આમ, શ્રી સંસ્કાર મંડળ ડીસાને જમીન ફાળવણી તફાવતના રૂ.2,73,08,190 અને સ્ટેમ્પ ડયુટી તફાવતના રૂ.18,83,926 મળી કુલ રૂપિયા 2,91,92,116 જમા કરાવી 21 દિવસમાં ચલણ કલેકટર બનાસકાંઠાને જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો છે અને નિયત સમય મર્યાદામાં જો રકમ જમા કરવામાં નહીં આવે તો સરકાર દ્વારા કરવામાં આવેલ જમીન ફાળવણીનો હુકમ રદ કરી જમીન શ્રી સરકાર હસ્તક પરત લેવાની પણ નોંધ કરવામાં આવી છે. આ અંગે સંસ્થાનો સંપર્ક કરતાં તેઓએ કઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...