ડીસા શહેરના જલારામ મંદિર વિસ્તારમાં આવેલી કેશર ક્રેડીટ કો.ઓપરેટિવ સોસાયટીનું ઉઠમણું થઈ હોવાની ચર્ચાએ દોડધામ મચી ગઈ છે. ગ્રાહકોના આશરે બે થી ત્રણ કરોડ રૂપિયા સલવાઇ ગયા છે. જ્યારે દૈનિક બચત કરતા અનેક નાના વેપારીઓ તેમજ ગૃહિણીઓને રોવાનો વારો આવ્યો છે.ભોગ બનનારા એક વ્યક્તિએ પોલીસમાં રજૂઆત કરી છે.
જલારામ મંદિર વિસ્તારમાં નવા બસ સ્ટેશનની સામે હેડ ઓફિસ ધરાવતી અને હાલ હવાઈ પિલ્લર સામે આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં શિફ્ટ થયેલ કેશર કો.ઓપરેટિવ ક્રેડીટ સોસાયટીએ ઉઠમણું હોવાની ચર્ચા થઈ રહી છે. જેમાં લોકોના ત્રણેક કરોડ રૂપિયા સલવાયા છે. આ અંગે સોસાયટીમાં નાણાંનું રોકાણ કરનારા ગ્રાહક મનીષ લોધા સહિતએ જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય જગ્યાઓએ ક્રેડીટ સોસાયટીની શાખાઓ આવેલી છે.
જેના ચેરમેન તરીકે વિજયભાઈ નરોત્તમભાઈ ત્રિવેદી, વાઇસ ચેરમેન તરીકે વિનોદભાઈ ચંપકલાલ દવે અને મેનેજર તરીકે દિલીપભાઈ નરોત્તમભાઈ ત્રિવેદી વહીવટ કરતા હતા. જેમાં અનેક ગ્રાહકો આ કેશર ક્રેડીટ સોસાયટી સાથે સંકળાયેલા છે. કેસર ક્રેડીટ સોસાયટી ડીસા સહિત અન્ય વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પાસેથી દૈનિક બચત એટલે કે રીકરીંગ સ્વરૂપે નાણાં એકત્રિત કરતી હતી. જ્યારે લોકો પાસેથી ફિક્સ ડિપોઝિટ પણ ઊંચું વ્યાજ આપવાનું જણાવીને મુકાવતી હતી.
જ્યારે પાકતી મુદતે નાણાં લેવા ગયા ત્યારે અમને કોઈ જવાબ મળ્યો નથી અને હવે સંચાલકો તેમજ કર્મચારીઓ ફોન ઉપાડતા નથી. કેશર ક્રેડીટ સોસાયટીનું મેનેજમેન્ટ દ્વારા સગા-વ્હાલાઓને લોન આપી દીધી હોવાનો આક્ષેપ રોકાણકારો કરી રહ્યા છે. લોકોના જે પૈસા હતા તેમાંથી લોનો આપી અને આ લોન રિકવર ન થતાં આખરે બનાસકાંઠાના ગરીબ ગ્રાહકોના પૈસા સલવાયા છે.’
ગ્રાહકને પાકતી મુદતે આપેલા ચેક રિર્ટન
ડીસામાં કેશર કો.ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીએ લોકો પાસેથી દૈનિક બચત તેમજ ફિક્સ ડિપોઝીટ સ્વરૂપે નાણાં ઉઘરાવ્યા હતા. જેમાં અનેક ગ્રાહકોને પાકતી મુદતના ચેકો આપ્યા હતા પરંતુ ગ્રાહકોએ ચેક બેંકમાં નાખતા ચેક રિટર્ન થયા છે. ડીસાના સુરેશભાઈ મણીલાલ નાઈએ જણાવ્યું હતું કે, ‘મને એક મહિના અગાઉ આપેલો ચેક રિટર્ન થયો છે. આ અંગે મેં પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે.
ભોગ બનનારા વ્યક્તિની પોલીસને રજૂઆત
ભોગ બનનારા વ્યક્તિએ પોલીસને રજૂઆત કરી હતી.જેમાં ડીસાની ક્રેડીટ સોસાયટીના ચેરમેન,વાઈસ ચેરમેન સહિત ચાર શખ્સો સામે કાર્યવાહી કરવા પોલીસ મથકે રજૂઆત કરાઈ હતી.હાલ સંચાલકો તેમજ કર્મચારીઓ પણ ફોન ન ઉપાડતા હોવાની રાવ ઉઠી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.