ડીસા તાલુકાના ગેનાજી ગોળીયા ગામે પાંચેક વર્ષ અગાઉ કાકા-ભત્રીજા અન્ય ખેડૂતના કુવા ઉપર બોર બનાવવા ચોકડી ખોદતાં હતા. ત્યારે ચાર શખસોએ જાનથી મારી નાખવાની ધમકી આપી લાકડી તથા ધારીયા વડે હૂમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ચારેય આરોપીઓને સજા ફરમાવી હતી. ગેનાજી ગોળીયા ગામે રહેતા પોપટજી ખેતાજી માળી આશરે પાંચેક વર્ષ અગાઉ ગેનાજી ગોળીયા ખાતે રહેતા ખીમજી ખેતાજી માળીના કુવા ઉપર તેઓના ભત્રીજા સાથે બોર બનાવવા ચોકડી ખોદવાનું કામ કરતા હતા.
ત્યારે આરોપી વસાજી માલાજી, જામાજી માલાજી, પરેશકુમાર વસાજી અને જાલમસિંગ ભોંમસિંગ ત્યાં આવેલા અને અપશબ્દો બોલી ‘અહીંયા ચોકડી ખોદી તો જાનથી મારી નાખીશુ'' તેમ કહી લાકડીઓ અને ધારીયા વડે હુમલો કરીને ફેક્ચર સહિતની ઇજાઓ કરી હતી. જે બાબતનો કેસ ડીસા કોર્ટમાં ચાલી જતા જજે ચારેય આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ હેઠળ કસૂરવાર ઠેરવી તેમને અલગ-અલગ સજાના ચુકાદા આપ્યા છે. જેમાં આરોપી વસાજી માલાજી માળી (રહે.ગેનાજી ગોળીયા) ને સાત વર્ષની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ કરેલ છે.
બીજા આરોપી જામાજી માલાજી માળી (રહે.ગેનાજી ગોળીયા) ને પણ સાત વર્ષની સજા અને પાંચ હજારનો દંડ કર્યો હતો. ત્રીજા આરોપી વસાજી માલાજી માળી અને જામાજી માલાજી માળીને એક-એક માસની સાદી કેદની સજા ફટકારી તેમજ આરોપી જાલમસિંગ ભોંમસિંગ દરબાર (રહે.ભડથ) ને ત્રણ વર્ષની સજા અને રૂ. પાંચ હજારનો દંડ કર્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.