મોંઘવારી મામલે કોંગ્રેસનાં ધરણાં:ડીસામાં ધરણા યોજવા જતા કોંગી કાર્યકરોની અટકાયત, પરવાનગી વગર સૂત્રોચ્ચાર કરતાં પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ કરી

ડીસા10 દિવસ પહેલા
  • ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સતત નિષ્ફળ નિવડી રહી - કોંગ્રેસ
  • ગેસના બાટલા સાથે ધરણા યોજી ભાજપ સરકાર સામે નારાબાજી કરી આક્રોશ ઠાલવ્યો

સતત વધી રહેલી મોંઘવારીના વિરોધમાં આજે શુક્રવારે ડીસામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. કોંગ્રેસ આગેવાનોએ ગેસના બાટલા સાથે ધરણા યોજી ભાજપ સરકાર સામે નારાબાજી કરી આક્રોશ ઠાલવ્યો હતો, જો કે પોલીસે પરવાનગી ન આપવા છતાં ધરણા કરતા કોંગ્રેસના આગેવાનોની અટકાયત કરી હતી.

ગેસના બાટલા સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર
છેલ્લા ઘણા સમયથી મોંઘવારી સતત વધી રહી છે. તેલ, પેટ્રોલ, ડીઝલ, રાંધણગેસ સહિત તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ અત્યારે આસમાને પહોંચ્યા છે. તેમાં પણ જીએસટી લાગતા સામાન્ય માણસ મોંઘવારીની માર વચ્ચે પીસાઈ રહ્યો છે. આવી મોંઘવારીમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલી ભર્યું બની ગયું છે. ત્યારે સામાન્ય માણસની વેદનાને વાચા આપવા માટે આજે ડીસા ખાતે કોંગ્રેસ કાર્યકરોએ સરકારના વિરોધમાં ધરણા યોજ્યા હતા. કોંગ્રેસ આગેવાનોએ ગેસના બાટલા સાથે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી નારાબાજી કરી હતી અને ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સતત નિષ્ફળ નિવડી રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે વિરોધ દર્શાવ્યો હતો.

કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત
સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરતા કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓની ડીસા શહેર પોલીસે અટકાવ્યા હતા. પોલીસે પરવાનગી ન આપવા છતાં પણ કોંગ્રેસના કાર્યકરોએ આજે ધરણા પ્રદર્શન યોજતાં કોંગ્રેસ આગેવાનોને પકડીને પોલીસ મથકે લઈ જવાયા હતા. પોલીસે અટકાવવા છતાં પણ કાર્યકરોએ જોર સોર થી વિરોધ ચાલુ રાખતા પોલીસે ટીંગાટોળી કરી કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરવી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...