લાઠીચાર્જ કરનારા કર્મીઓ સામે પગલાં લેવા માગ:ડીસાની લવ જેહાદ વિરોધી રેલીમાં લાઠીચાર્જ કરનારા પોલીસ કર્મીઓ વિરૂદ્ધ SDMને આવેદન પાઠવાયું; યોગ્ય પગલાં લેવા રજૂઆત

ડીસાએક મહિનો પહેલા

ડીસામાં લવ જેહાદ બાબતે બે દિવસ અગાઉ યોજાયેલી રેલીમાં શાંતિપૂર્ણ કૂચ કરતા હિન્દુ યુવકો પર પોલીસે અચાનક લાઠીચાર્જ કર્યો હતો. જે બાબતને લઈ લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ સામે પગલાં લેવા હિન્દુ રક્ષક સમિતિએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

પોલીસે લાઠી ચાર્જ શરૂ કરી દેતાં કેટલાક યુવકો ઘવાયા
ડીસામાં મુસ્લિમ યુવક દ્વારા હિન્દુ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેના પરિવાર જનોને ધર્માન્તરણ કરાવાયું હોવાની બાબતને લઈ હિન્દુ સમાજ દ્વારા આક્રોશ રેલી યોજાઇ હતી. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી આ રેલીમાં પોલીસ કર્મચારીઓએ હીરા બજાર આગળ અચાનક જ લાઠી ચાર્જ શરૂ કરી દેતાં કેટલાક યુવકો ઘવાયા હતા.

હિન્દુ સમાજ ધરણા પર બેસશે તેવી ચીમકી ઉચ્ચારાઈ
શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી રેલીમાં અચાનક લાઠીચાર્જથી હિન્દુ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો. તેથી હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા આજે ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી લાઠીચાર્જ કરનાર પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે. જો તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી નહીં કરાય તો હિન્દુ સમાજ ધરણા પર બેસશે તેવી ચીમકી પણ આવેદનપત્રમાં ઉચ્ચારવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...