ડીસા તાલુકાના રાણપુર ગામે મુક્તેશ્વર અસરગ્રસ્ત ખેડૂતોને ફાળવેલી જમીનના વિવાદ મામલે 13 લોકો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધાઇ છે. છેલ્લા 15 વર્ષથી ચાલી રહેલા વિવાદ બાદ હવે જમીન માલિક તેમની જમીન પર થયેલા દબાણ ખાલી કરાવવા જતા થયેલી બબાલ મામલે ફરિયાદ નોંધાતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
વડગામ તાલુકામાં મુક્તેશ્વર ડેમ બનતા આસપાસ કેટલાક ખેડૂતોની જમીન ડૂબમાં ગઈ હતી. અસરગ્રસ્ત ખેડૂતોની ડૂબમાં ગયેલી જમીનને બદલે સરકારે ડીસા તાલુકાના રાણપુર ગામ પાસે આવેલી ગૌચરની 45 એકર જમીન ખેડૂતોને ફાળવી હતી. સરકાર તરફથી મળેલી જમીન બાદમાં ખેડૂતોએ ડીસાના ચંદ્રદેવસિંહ જાડેજા અને તેમના સગા સંબંધીઓને વેચી હતી. તે જમીન પર છેલ્લા કેટલાક સમયથી રાણપુર ગામના સ્થાનિક લોકોએ દબાણ કરી બેઠા હતા. તેમજ જમીનના મૂળ માલિકે તેમની જમીન ખાલી કરવા માટેના પ્રયાસો કર્યા હતા, પરંતુ દબાણદારોએ જમીન ખાલી કરવાને બદલે તેમની સામે વિરોધ દર્શાવ્યો હતો. વારંવાર પ્રયાસ કરવા છતાં પણ દબાણદારોએ જમીન ખાલી ન કરતા આખરે કંટાળેલા જમીન માલિકે કલેક્ટર કચેરીમાં ફરિયાદ કરી હતી.
જિલ્લા કલેકટરે તપાસ કરતાં તેમની જમીન પર સ્થાનિક લોકો ગેરકાયદેસર બિનઅધિકૃત રીતે દબાણ કરી બેઠા હોવાનું માલુમ પડતા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ કાર્યવાહી કરવા આદેશ કર્યો હતો. જેને પગલે ડીસા તાલુકા પોલીસે 13 દબાણદારો સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ મુજબ ફરિયાદ નોંધી હતી. જે કેસની વધુ તપાસ ડીસા ડીવાયએસપી ડો.કુશલ ઓઝા તેમજ તાલુકા પોલીસ ચલાવી રહી છે.
ફરિયાદ થઈ હોવાનું માલુમ પડતા જ દબાણદારો ટ્રેક્ટરો ભરી ડીસા તાલુકા પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને તેમના વિરુદ્ધ ફરિયાદ ન નોંધવા અને જ્યાં સુધી તેમના માટે વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી દબાણો ન હટાવવા માટેની માગ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.