બનાસકાંઠાના ડીસામાં જાહેરમાં ઘાસચારો વેચનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઇ છે. ગઈકાલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે જાહેરમાં ઘાસચારો વેચવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોવા છતાં પણ વેચાણ ચાલુ રાખતા પોલીસે હવાઈ પાસેથી એક શખ્સની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોનો આતંક ખૂબ જ વધી ગયો છે. ત્યારે ડીસા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસ અને વારંવાર થતા નાના મોટા અકસ્માતોને અટકાવવા માટે નગરપાલિકાએ નાયબ કલેક્ટરને રજૂઆત કરી હતી. જેથી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે આ સમસ્યા ના હલ માટે શહેરમાં 12 જેટલા જાહેર સ્થળો અને માર્ગ પર ઘાસચારો નાખવા અને વેચવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું હતું.
તેમ છતાં પણ કેટલાક લોકો આ જાહેરનામાંનો ભંગ કરી રહ્યાં છે. ત્યારે હવાઈ પાસે સર્વિસ રોડ પર જાહેરમાં ઘાસચારો વેંચતા તેજમલ દેવીપુજકને પોલીસે પકડી પાડ્યો હતો. તેની સામે જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ડીસા શહેરમાં છેલ્લા ચાર વર્ષમાં અત્યાર સુધી રખડતાં ઢોરોના કારણે થયેલા અકસ્માતોમાં 12થી વધુ લોકોના મોત નિપજ્યા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે તંત્રએ પણ જાહેરમાં ઘાસચારો ન નાખવા માટે લોકોને અપીલ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.