ડીસામાં પિતાએ લોન ભરપાઈ કર્યા બાદ પુત્રએ માતા-પિતા સાથે છેતરપીંડી આચરી હોવાની ઘટના સામે આવી છે અને મિલકત પત્નીના નામે કરાવવા માટે માતા-પિતાને યાતના આપતા પુત્ર સામે ફરિયાદ નોંધાવતા ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ડીસા પાટણ હાઇવે પર આવેલા જલારામ સોસાયટીમાં પુત્રએ પિતા પાસેથી લોનના નાણાં ભરાવી મકાન માતાને નામે ન કરાવી છેતરપીંડી આચરી છે. જેમાં જલારામ સોસાયટી ખાતે રહેતા પ્રકાશકુમાર પઢિયારે વર્ષ 2012માં એક પ્લોટ લીધો હતો અને તે પ્લોટ પર મકાન બનાવવા માટે મોટા દિકરા કૃણાલના નામે પાલનપુરથી લોન કરાવી હતી. જેના રૂપિયા 6.50 લાખ લઇ બે માળનું મકાન બનાવ્યું હતુ. લોનના હપ્તાની રકમ પ્રકાશભાઇ તેમના પુત્રના ખાતામાં નાંખતા હતા. તે દરમિયાન કૃણાલે પોતાને બીજી લોન કરાવવી છે તેમ કહી બાકી રહેલી મકાનની લોનના રૂપિયા 2 લાખ પિતા પાસે ભરાવી લોન પેડઅપ કરાવી દીધી હતી. જોકે, તે પછી કૃણાલે આ મિલકત પચાવી પાડવાના ઇરાદે મકાન તેની માતાના નામે કરાવ્યું ન હતુ. અને નીચે રહેતા તેમના માતા-પિતાના મકાનનું લાઇટ બીલ ન ભરી કપાવી નાંખી ઉપરના માળે નવું વીજ કનેક્શન લઇ લીધું હતુ.
આ સિવાય નીચેના મકાનનું પાણીનું કનેક્શન પણ બંધ કરી દઇ માતા-પિતાને હેરાન કરતો હતો. બાદમાં રાજપુરમાં આવેલી ખેતીની જમીન પણ હડપ કરવા માટે તેના પિતાને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. જેથી વારંવારની ધમકીઓ અને યાતનાથી કંટાળેલા પ્રકાશભાઇએ તેમના પુત્ર કૃણાલ સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે મામલે ડીસા શહેર દક્ષિણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.