સતાનો સંગ્રામ:ડીસા બેઠક પરથી ભાજપના પ્રવીણ માળીએ ઉમેદવારી નોંધાવી; 10 બાલિકાઓએ વિજય તિલક કર્યું

ડીસા2 મહિનો પહેલા

બનાસકાંઠાની ડીસા વિધાનસભા બેઠક પર આજે ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ ઉમેદવારી પત્ર ભર્યું હતું. સમર્થકો દ્વારા ભવ્ય સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતાં અને જીતના વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું હતું.

જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો
ડીસા વિધાનસભા બેઠક પર આજે પૂર્વ ધારાસભ્ય ગોવર્ધનજી માળીના પુત્ર પ્રવીણ માળીએ ભાજપમાંથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. ઉમેદવાર પ્રવીણ માળી વહેલી સવારે વડીલોના આશીર્વાદ લઈને કુળદેવીના દર્શન કરી સભા સ્થળે પહોંચ્યા હતાં. સમર્થકો દ્વારા યોજાયેલી સભામાં સાંસદ દિનેશ અનાવાડીયા સહિત ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડ્યા, વેરહાઉસ નિગમના પૂર્વ ચેરમેન મગનલાલ માળી સહિત ભાજપના આગેવાનો હાજર રહ્યા હતાં અને ડીસા બેઠક ફરી જંગી બહુમતીથી જીતાડવા સંકલ્પ કર્યો હતો.

વિવિધ સમાજની બાલિકાઓ દ્વારા વિજય તિલક
સભામાં અલગ-અલગ સમાજની 10 બાલિકાઓએ ઉમેદવારને વિજય તિલક કર્યું હતું. ત્યારબાદ ઉમેદવાર પ્રવિણ માળી તેમના સમર્થકો સાથે રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરી પહોંચ્યા હતાં. જ્યાં તેમણે વિજયના વિશ્વાસનું ઉમેદવારી પત્ર ભર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...