પ્રચાર-પ્રસાર તેજ ગતીએ:ડીસાના ભોંયણ ગામે ભાજપ ઉમેદવારની સભા યોજાઈ; કહ્યું- જીત્યા બાદ પાણીના તળ ઊંચા લાવીશું

ડીસા4 દિવસ પહેલા

શિયાળાની ફૂલ ગુલાબી ઠંડી વધવાની સાથે સાથે ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર પણ વેગવંતો બની રહ્યો છે. ડીસાના ભોયણ ગામે આજે ભાજપના ઉમેદવારની ચૂંટણી સભા યોજાઇ હતી. જેમાં જીત્યા બાદ લોકો અને સરકાર સાથે મળી પાણીના તળ ઊંચા લાવવા સહિયારા પ્રયાસો કરવાની ખાત્રી આપી હતી.

સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશું
ડીસામાં ભોયણ ગામે આજે ભાજપ દ્વારા ચૂંટણી સભાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રાજ્યસભાના સાંસદ દિનેશ અનાવાડીયા, ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુ ઠક્કર, તાલુકા પંચાયત પ્રમુખ ઉકાજી ઠાકોર સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ભાજપના ઉમેદવાર પ્રવીણ માળીએ જણાવ્યું હતું કે, ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં પાણીના તળ દિવસેને દિવસે ઉંડા જઈ રહ્યાં છે. ત્યારે જીત્યા બાદ પાણીના તળ ઊંચા લાવવા માટે સરકાર અને લોકો સાથે મળી સહીયારા પ્રયાસો કરીશું અને સિંચાઈની સમસ્યાનો કાયમી ઉકેલ લાવીશું તેમ ખાતરી આપી હતી.

ભાજપને જીતાડી કમળ નરેન્દ્ર મોદીને અર્પણ કરવા ગ્રામજનોને અપીલ
સાથે સાથે અત્યાર સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિકાસના કામો થકી ડીસા અને બનાસકાંઠા જિલ્લામાં સુખાકારીની અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આગામી સમયમાં પણ આ વિકાસના પ્રવાહને અવિરત ચાલુ રાખવા માટે ફરીથી ડીસા વિધાનસભા બેઠક પર ભાજપને જીતાડી કમળ નરેન્દ્ર મોદીને અર્પણ કરવા ગ્રામજનોને અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...