ડીસામાં સતત બીજા દિવસે તસ્કરોનો આતંક યથાવત જોવા મળ્યો હતો. ગઈકાલે પાટણ હાઈવે પર છ દુકાનોમાં ચોરી થયા બાદ આજે આખોલ ચાર રસ્તા પાસે પણ તસ્કરોએ સાત દુકાનોને ટાર્ગેટ બનાવી ચોરી કરી હતી. અજાણ્યા તસ્કરો સીસીટીવીમાં દેખાતા તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
દુકાનોના શટર તોડી માલ-સામાનની ચોરી
ડીસામાં ચૂંટણી પત્યા બાદ તસ્કરો બેફામ બન્યા છે અને પોલીસને રીતસર પડકાર ફેંકતા હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. ગઈકાલે ડીસા પાટણ હાઈવે પર છ દુકાનોમાં ચોરી કર્યા બાદ અજાણ્યા તસ્કરોએ આજે આખોલ ચાર રસ્તા પાસે આવેલી સાત દુકાનોને ટાર્ગેટ બનાવી હતી, જેમાં કેટલીક દુકાનોમાં નિષ્ફળ પ્રયાસ થયો હતો. જ્યારે શિવમણી એગ્રો મોલ, અમુલ પાર્લર સહિતની દુકાનોના શટર તોડી તસ્કરો માલ-સામાનની ચોરી કરી ગયા હતા.
દુકાનોને ટાર્ગેટ બનાવતા વેપારીઓમાં ફફડાટ
વહેલી સવારે વેપારીઓને જાણ થતા જ તેઓએ ડીસા તાલુકા પોલીસની જાણ કરી હતી. ચોરી કરવા માટે આવેલા અજાણ્યા તસ્કરો સીસીટીવી કેમેરામાં પણ દુકાનોના શટરના તાળા તોડતા દેખાયા હતા. જેમાં ત્રણ બુકાનીધારી શખ્સો ચોરી કરી ગયા હતા. જેથી ડીસા તાલુકા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીછે કે, છેલ્લા બે દિવસથી અજાણ્યા તસ્કરો હાઇવે પરની દુકાનોને ટાર્ગેટ બનાવતા અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.