જામીન નામંજૂર:ડીસાની કરોડો રૂપિયાની જમીનના ખોટા દસ્તાવેજ ઉભા કરી બારોબર વેચનારા બે આરોપીઓના આગોતરા જામીન નામંજૂર

ડીસા8 દિવસ પહેલા
  • ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટે બે આરોપીઓની આગોતરી જામીન અરજી નામંજૂર થઈ

ડીસાના ભરચક વિસ્તારમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના ખોટા આધાર પુરાવા અને દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મારવાના કેસમાં બે આરોપીઓના આગોતરા જામીન સેશન્સ કોર્ટે નામંજૂર કર્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં લઇ નામદાર કોર્ટે બંને અરજદારની આગોતરા જામીન અરજી નામંજૂર કરી છે.

ચાર લોકો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી
ડીસામાં પાંચ મહિના અગાઉ શહેરના વચ્ચોવચ આવેલી કરોડો રૂપિયાની જમીન ગોલ્ડન પાર્ક અને ડોકટર હાઉસના ખોટા દસ્તાવેજો બનાવી બારોબાર વેચી મારવાના કૌભાંડ મામલે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આ કેસના મુખ્ય આરોપી પોપટ ગગાજી હેમાસિયાએ ફરિયાદીના પિતા જોરાભાઈ નથાભાઈ દેસાઈના નામના ખોટા આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, પાનકાર્ડ બનાવી ડીસાની એક્સિસ બેન્ક તથા પાટણ સેન્ટ્રલ બેન્કમાં ખાતા ખોલાવ્યા હતા. તેમજ ફરિયાદીના પિતા નું ખોટું નામ ધારણ કરી ડીસાની ગોલ્ડન પાર્ક અને ડોકટર હાઉસની જમીનના ખોટા દસ્તાવેજ કર્યા હતા, જે બાબત ધ્યાને આવતાં જ રજીસ્ટાર કચેરીમાં ખોટું નામ ધારણ કરી દસ્તાવેજ કરનાર અને તેમની ઓળખ આપનાર તેમજ આ દસ્તાવેજ બાદ પાવર ઓફ એટર્ની કરાવનારા ચાર લોકો સામે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી.

આરોપીઓએ ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી
આ મામલે આ કેસના આરોપી ઈશ્વર મોતીભાઈ પટેલ અને ભૂપતસિંહ ઠાકોરે ડીસાની એડિશનલ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી. જો કે ફરિયાદીના વકીલ ભાવિન કાપડિયાની દલીલો જોતા અને આ કેસની ગંભીરતા અને મોડેસ ઓપરેન્ડી જોતા નામદાર કોર્ટે બંને આરોપીઓના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...