ચોરીનો નિષ્ફળ પ્રયાસ:ડીસામાં વકીલની ઓફિસમાં ચોરી બાદ જજના બંગલામાં ચોરીનો પ્રયાસ, પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધ્યો

ડીસા4 દિવસ પહેલા
  • ડીસા દક્ષિણ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી

ડીસામાં છેલ્લા એક મહિનાથી તસ્કરો તરખાટ મચાવી રહ્યા છે. અઠવાડિયા અગાઉ જ એક જાણીતા વકીલની ઓફિસમાં ચોરી કર્યા બાદ ગત મોડી રાત્રે જજના બંગલામાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો હોવાની ઘટના સામે આવી છે. જે મામલે ડીસા દક્ષિણ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

તપાસ કરતાં મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જણાયો
ડીસા શહેરમાં ચોરીની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જેમાં પોસ્ટ ઓફિસ પાસે રહેતા ભાસ્કરભાઈ દવે અત્યારે જજ તરીકે વડોદરા ખાતે નોકરી કરે છે. જેમના મકાનની દેખરેખ બાજુમાં મશીનરીની દુકાન ચલાવતા વિશાલભાઈ મેવાડા કરતા હતા. આજે શુક્રવારે વહેલી સવારે જજના મકાનનો ગેટ કૂદીને ભાગવા જતાં અજાણ્યા માણસોને બાજુમાં આવેલા અંબાજી મંદિરના પૂજારીએ જોતાં તરત જ વિશાલભાઈને જાણ કરી હતી. બનાવની જાણ થતાં વિશાલભાઈએ તરત જ જજના મકાને આવી તપાસ કરતાં મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જણાયો હતો. જે અંગે તેમણે મકાન માલિક જજ ભાસ્કરભાઈ દવેને બનાવની હકીકત જણાવી હતી. ત્યારબાદ મકાનમાં તપાસ કરતાં કોઈ ચોરી થયેલી નહોતી જણાઈ, જે અંગે વિશાલભાઈએ અજાણ્યા તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી હતી. ડીસા દક્ષિણ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...