ડીસામાં વધુ એક ક્રેડિટ સોસાયટીનું ઉઠામણું:સંચાલકોએ લોકોના નાણાં ડુબાડ્યા; અનેક સ્કીમના નામે વેપારીઓ પાસેથી નાણા ઉઘરાવ્યા બાદ સંચાલકો ગાયબ

ડીસા25 દિવસ પહેલા

ડીસામાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ઉઠામણું કરતા અનેક ગ્રાહકોના આશરે બે થી ત્રણ કરોડ રૂપિયા સલવાઈ ગયા છે અને દૈનિક બચત કરતા અનેક નાના વેપારીઓ તેમજ ગૃહિણીઓને રોવાનો વારો આવ્યો છે. જીવનભરની કમાણીના રૂપિયા ફસાઈ જતા ગ્રાહકો હવે સરકાર પાસે મદદ માગી રહ્યા છે.

ડીસામાં વધુ એક ક્રેડિટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે. હવાઈ પીલ્લર સામે આવેલા ઇસ્કોન શોપિંગ સેન્ટરમાં આવેલા કેશર ક્રેડિટ કો.ઓપરેટિવ સોસાયટીએ ઉઠામણું કરતા લોકોના અંદાજીત ત્રણેક કરોડ રૂપિયા સલવાયા છે. વધુ વ્યાજની લાલચમાં અને ગરીબ-મધ્યમ વર્ગના લોકોએ આ ક્રેડિટ સોસાયટીમાં લાખો રૂપિયા જમા કરાવ્યા હતા. કેટલાય લોકોએ ફિક્સ ડિપોઝિટ કરાવી હતી અને પાકતી મુદતે જ્યારે ગ્રાહકો પૈસા લેવા માટે પહોંચ્યા ત્યાં સુધીમાં તો કંપનીના સંચાલકો ઓફિસને તાળું મારી ફરાર થઈ જતા હવે હજારો લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. કેટલાક લોકોને તો ક્રેડીટ સોસાયટીના સંચાલકોએ પાકતી મુદતના ચેક આપ્યા હતા. જોકે તે પણ બાઉન્સ થતાં હવે ગ્રાહકોએ ડીસા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.

આ અંગે સોસાયટીમાં નાણાંનું રોકાણ કરનારા ગ્રાહક મનીષ લોધા, અર્જુન બોહરા અને હર્ષદે જણાવ્યું હતું કે, બનાસકાંઠામાં ડીસા સહિત અન્ય જગ્યાઓએ આ કેશર ક્રેડિટ સોસાયટીની શાખાઓ આવેલી છે. જેના ચેરમેન તરીકે વિજય નરોત્તમ ત્રિવેદી, વાઇસ ચેરમેન તરીકે વિનોદ ચંપકલાલ દવે અને મેનેજર તરીકે દિલીપ નરોત્તમ ત્રિવેદી વહીવટ કરતા હતા. ગ્રાહકો આ કેશર ક્રેડીટ સોસાયટી સાથે સંકળાયેલા છે. કેસર ક્રેડિટ સોસાયટી ડીસા સહિત અન્ય વિસ્તારોમાંથી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી પણ લોકો પાસેથી દૈનિક બચત એટલે કે રીકરીંગ સ્વરૂપે નાણાં એકત્રિત કરતી હતી. જ્યારે લોકો પાસેથી ફિક્સ ડિપોઝિટ પણ ઊંચું વ્યાજ આપવાનું જણાવીને મુકાવતી હતી.

આમ, અનેક લોકોએ પોતાની પરસેવાની કમાણીના પૈસા આ ક્રેડિટ સોસાયટીમાં મૂક્યાં છે. જ્યારે પાકતી મુદતે નાણાં લેવા ગયા ત્યારે અમને કોઈ જવાબ મળ્યો નથી અને હવે સંચાલકો તેમજ કર્મચારીઓ ફોન ઉપાડતા નથી. કેશર ક્રેડીટ સોસાયટીના અણઘડ વહીવટ અને મેનેજમેન્ટ દ્વારા સગા વ્હાલાઓને લોન આપી દીધી હોવાનો આક્ષેપ રોકાણકારો કરી રહ્યા છે. લોકોના જે પૈસા હતા તેમાંથી લોનો આપી અને આ લોન રિકવર ન થતાં આખરે બનાસકાંઠાના ગરીબ ગ્રાહકોના પૈસા સલવાયા છે.

ડીસાના સુરેશ મણીલાલ નાઈ એ જણાવ્યું હતું કે, હું એક વર્ષથી દૈનિક બચાવ યોજનામાં પૈસા ભરતો હતો અને પાકતી મુદતે એક મહિના અગાઉ આપેલો 36 હજાર રૂપિયાનો ચેક બેંકમાં ભરતા રિટર્ન થયો છે. આ અંગે મેં પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ કરી છે. મારા જેવા અનેક લોકોની સાથે આ મંડળીના સંચાલકો છેતરપીંડી કરી ભાગી ગયા છે.

ઉલ્લેખનીય છે કે, ડીસામાં અગાઉ સરદાર, ખેતેશ્વર, અર્બુદા, આદર્શ જેવી મંડળીઓએ ઉઠામણું કરતા લોકોના કરોડો રૂપિયા ડૂબ્યા હતા. ત્યારબાદ હવે કેશર ક્રેડીટ સોસાયટીએ ઉઠમણુ કર્યું છે. બનાસકાંઠાના લોકોના કરોડો રૂપિયા લઇને આવી કંપનીઓ ફરાર થઈ જાય છે. મોટાભાગે કંપનીઓ ઊંચા વ્યાજની લાલચ આપી અને લોકો સાથે છેતરપિંડી કરતી આવી લેભાગુ કંપનીઓ પર પણ વિશ્વાસ કરતા હોય છે. અને પોતાના પરસેવાના નાણાં ગુમાવતા હોય છે. ત્યારે લોકોએ પણ આવી ક્રેડિટ સોસાયટીઓ પર વિશ્વાસ કરતા વિચારવું જોઈએ અને સરકારે પણ આડેધડ ઓફિસો ખોલી બે ચાર વર્ષ ક્રેડિટ સોસાયટીના નામે લોકો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી ઉઠામણું કરી જતા લોકોની સામે કડક કાર્યવાહી કરે તેવી લોકોની માગ છે.

અન્ય સમાચારો પણ છે...