પોલીસે શોધખોળ હાથ ધરી:ડીસામાં એક જ અઠવાડિયામાં બે સગીરાઓનું અપહરણ; લગ્નની લાલચે સગીરાઓને ભગાડી જનારા યુવકો સામે ફરિયાદ

ડીસા10 દિવસ પહેલા

ડીસા પાસે વધુ એક ખેડૂત પરિવારની સગીર દીકરીને ધાનપુરા ગામનો યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હોવાની ઘટના સામે આવી છે. એક જ અઠવાડિયામાં તાલુકામાંથી બે સગીરાઓને ભગાડી જતાં ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

સગા-સબંધીને ત્યાં તપાસ કરતાં પણ દીકરી ના મળી.
આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના એક ગામે રહેતા ખેડૂત ગત તા. 16 સપ્ટેમ્બરના રોજ જમીને પરીવારજનો સાથે રાત્રે ઘરમાં સૂતા હતા. મોડી રાત્રે તેઓ ખેતરમાં આંટો મારી ઘરે પરત આવ્યા હતાં. ત્યારે, તેમની સગીર દીકરી ખાટલામાં સૂતી હતી. જો કે, સવારે છ વાગ્યે તેમની પત્ની જાગી ત્યારે પથારીમાં તેમની સગીર દીકરી જોવા ન મળતાં આસપાસમાં તેમજ સગા-સબંધીને ત્યાં તપાસ કરતાં દીકરીનો ક્યાંય પતો લાગ્યો નહિં.

ધાનપુરા ગામનો યુવક સગીરાને લઈ ભાગ્યો.
તે દરમિયાન પરિવારજનોને શંકા થઈ કે, તેમના ત્યાં કડીયાકામ કરવા આવેલ ધાનપુરા ગામનો સુરેશજી ઠાકોર તેમની સગીર દીકરીને ભગાડી ગયો હશે. જેથી, ધાનપુરા ગામે તપાસ કરતાં તે પણ ઘરે મળી આવેલ નહિં. જેથી, ખેડૂતે તેમની 16 વર્ષીય સગીર દીકરીને સુરેશજી રમેશજી ઠાકોર લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. ડીસામાં એક જ અઠવાડિયામાં બે અલગ-અલગ જગ્યાએથી બે સગીરાઓને લગ્નની લાલચ આપી ભગાડી જતાં ડીસા તાલુકા પોલીસે શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...