પ્રસાદ મામલે ઉગ્ર આંદોલનની ચીમકી:ડીસામાં AAPના કાર્યકરોની અંબાજીમાં મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવાની માગ, નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી

ડીસા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

દેશના 51 શક્તિપીઠમાં સૌથી મુખ્ય ગણાતા શક્તિપીઠ અંબાજી મંદિરમાં તંત્રએ અચાનક મોહનથાળની પ્રસાદી બંધ કરી દેતા તેના ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવાની માગ કરી હતી.

પવિત્ર યાત્રાધામ અંબાજી મંદિરમાં વર્ષોથી માતાજીને મોહનથાળની પ્રસાદીનો થાળ અર્પણ કરી વેચવામાં આવતી હતી, પરંતુ હવે તંત્રએ મોહનથાળની પ્રસાદી બંધ કરી ચીકીની પ્રસાદી આપવાનું શરૂ કરતાં લોકોની આસ્થા અને ઠેસ પહોંચી છે અને બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં તેનો ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસામાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ આ મામલે સરકાર સામે વિરોધ દર્શાવ્યો હતો અને મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવાની માગ સાથે નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

આ મામલે આમ આદમી પાર્ટીના આગેવાન ભેમાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, ભક્તોની માગ છે કે મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવામાં આવે તેને આમ આદમી પાર્ટી પણ સમર્થન આપે છે. વહીવટી તંત્ર જો ઉપવાસી લોકો અને દૂર રહેતા લોકો માટે ચીકીની પ્રસાદનું આયોજન કર્યું છે. જે વૈકલ્પિક રૂપે રાખી મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરે તેવી રજૂઆત કરી હતી. જો તંત્ર દ્વારા મોહનથાળની પ્રસાદી ફરી શરૂ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...