ડીસા શહેરના ગાયત્રી નગરમાં શુક્રવારે મોડી રાત્રે મોબાઈલના 500 રૂપિયાની લેવડ-દેવડ મુદ્દે યુવક ઉપર હુમલાખોરોએ હુમલો કરતાં નાનો ભાઈ છોડાવવા પડતાં હત્યારાઓએ યુવકને છરાના ઘા ઝીંકી રહેસી નાખતાં ગંભીર ઈજાઓ વચ્ચે ડીસા બાદ પાલનપુર ખાતે સારવાર દરમિયાન કરૂણ મોત નિપજ્યું હતું.
ડીસા શહેરના કચ્છી કોલોની વિસ્તારમાં આવેલ ઠક્કર સમાજની વાડી નજીક આવેલ રવેચી નગર ખાતે રહેતા અને મૂળ કાંકરેજ તાલુકાના વડા ગામના માલાભાઈ ઉર્ફે મનીષ જામાજી ઠાકોરે થરાદ તાલુકાના ડૂવા ગામના અને હાલ ડીસાના અંબિકા ચોક પાજળના ગાયત્રી નગરમાં રહેતા દિલીપકુમાર નાગજીભાઈ બારોટ પાસેથી રૂપિયા છ હજારમાં મોબાઇલ ખરીદ્યો હતો. જે પેટે તેણે 2000 રૂપિયા દિલીપ બારોટને આપ્યા હતા.
જો કે ફોન પસંદ ન આવતા માલા ઠાકોરે બીજા દિવસે દિલીપને ફોન પરત કરી દીધો હતો. જેથી દિલીપ બારોટે તેને રૂપિયા 1500 પરત આપ્યા હતા અને 500 રૂપિયા વપરાઇ ગયા હોવાથી પછીથી આપવા જણાવ્યું હતું. જે બાદ 15 દિવસ પછી માલા ઠાકોરે મોબાઈલના દિલીપ પાસેથી ઉઘરાણી કરતા તેણે પૈસા સગવડ થાય ત્યારે આપીશ તેમ જણાવ્યું હતું. જેથી માલા ઠાકોરે ફોન પર અપશબ્દો બોલતા દિલીપે તેને બહાર મળવા જણાવ્યું હતું. જેથી દિલીપ બારોટ તેનો ભાઇ ચિરાગ બારોટ (20) તેમજ માલા ઠાકોરનો ભાઈ મહેશ, કનુભા, ફુલસિંગ, કૌશિક સહિત ગાયત્રી નગર પાછળ આવેલ વિનાયક પ્લોટમાં વોકિંગ કરવા શુક્રવારે રાત્રે ભેગા થયા હતા એ સમયે માલા ઠાકોરે આવી દિલીપ પર હુમલો કર્યો હતો. જેથી દિલીપ બારોટને છોડાવવા તેનો ભાઇ ચિરાગ વચ્ચે પડતા માલાએ ચિરાગને માથામાં ઇંટ મારી હતી. જેથી તે સહેજ પાછો પડતાં તરત જ માલાએ પોતાની ફેંટમાંથી છરો કાઢી ચિરાગના પીઠમાં ભોંકી દીધો હતો.
લોહીલુહાણ થયેલા ચિરાગને તુરંત જ ડીસા સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયો હતો. જ્યાંથી વધુ સારવાર માટે પાલનપુર સિવિલમાં ટ્રોમા સેન્ટરમાં લઇ જવાયો હતો પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ અંગે દિલીપ નાગજીભાઈ બારોટએ માલાભાઈ ઉર્ફે મનીષ જામાજી ઠાકોર સામે ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હત્યારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેમ મૃતક યુવકના પિતા નાગજીભાઈ બારોટએ જણાવ્યું હતું.
ડીસામાં પાંચ દિવસ અગાઉ પણ યુવકની હત્યા થઈ હતી
ડીસા શહેરના નહેરૂનગર ટેકરા વિસ્તારમાં માજીરાણા યુવકે 20 રૂપિયાની માંગણી કરી હતી. જેથી અન્ય બે યુવાનો વચ્ચે બબાલ થતા કાવતરૂ રચી નવીન માજીરાણાને છરાના ઘા ઝીંકી મોત નીપજાવ્યું હતું. જ્યારે એક જ અઠવાડિયામાં બે યુવકની હત્યા થતાં ચકચાર મચી જવા પામી છે.ડીસામાં હત્યાનો સીલસીલો યથાવત રહેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.