મામલતદાર કચેરી પાસે જ ભૂવો!:ડીસામાં કચેરી પાસે વરસાદી પાણી ભરાઈ રહેલા ખાડામાં ટ્રક ખાબકી, તંત્રની પ્રી મોન્સૂન પ્લાનીંગની ખુલી પોલ

ડીસા2 મહિનો પહેલા

ડીસામાં મામલતદાર કચેરી પાસે જ વરસાદી પાણી ભરાઈ રહેલા ખાડામાં ટ્રક ખાબકી હોવાની ઘટના સામે આવી છે. આજુબાજુના લોકોએ તરત જ રાહત કામગીરી કરી ટ્રકને ખાડામાંથી બહાર કાઢી હતી અને સદનસીબે જાનહાની ટળી છે. પરંતુ ખાડામાં ટ્રક ખાબકતાની સાથે જ તંત્ર દ્વારા કરવામાં આવેલી પ્રી મોનસુન પ્લાનિંગની પણ પોલ ખુલી ગઈ છે.

વરસાદી પાણી ભરાઈ રહેતા ખાડા પડી ગયા
ડીસામાં તંત્ર દ્વારા પ્રી-મોનસુન પ્લાનિંગ અંતર્ગત લાખો અને કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવે છે. પરંતુ પરિસ્થિતિ જૈસે થે જેવી જ બની રહી છે. તેમાં પણ મામલતદાર કચેરીના પ્રાંગણમાં તો પાણી ના નિકાલ માટેની પણ કોઈ જ વ્યવસ્થા ન હોવાથી સામાન્ય વરસાદ થાય તો પણ 10 થી 15 દિવસ સુધી પાણી તળાવની જેમ ભરાઈને પડ્યું રહે છે. હમણાં જ થયેલ વરસાદમાં પણ મામલતદાર કચેરી આગળ વરસાદી પાણી ભરાઈ રહેતા ખાડા પડી ગયા છે. જેમાં આજે સરકારી સામાન ભરીને આવી રહેલી આઇસર ટ્રક અચાનક ખાડામાં ખાબકી હતી. બે ફૂટ ઊંડા ખાડામાં ટ્રક ખબકતા જ આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને રાહત કામગીરી કરી મહામુસીબતે ટ્રકને ખાડામાંથી બહાર કાઢી હતી. સદનસીબે જાનહાની ટળી હતી પરંતુ તંત્ર દ્વારા પ્રી મોનસુન પ્લાનિંગ અંતર્ગત કેવી કામગીરી થાય છે તે આ ઘટના પરથી સમજી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...