ડોક્ટર અને દલાલની ધરપકડ:રાજસ્થાનની PCPNDTની ટીમે ડીસાના ભીલડી ગામેથી ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા તબીબને ડીકોય ગોઠવી ઝડપી પાડ્યો

ડીસા24 દિવસ પહેલા

બનાસકાંઠામાં ડીસા પાસે આવેલ ભીલડી ખાતે રાજસ્થાનની ટીમે ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા તબીબને રંગે હાથ ઝડપી પાડ્યો હતો. ડીકોય ગોઠવી ડોક્ટર અને દલાલને ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા રંગે હાથ ઝડપી લીધા છે, તેમજ સોનોગ્રાફી મશીન પણ સીલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

રાજસ્થાનની PCPNDTની ટીમને ડીકોય ગોઠવી
રાજસ્થાનની PCPNDTની ટીમને રેવદર જિલ્લામાં સિરોહી ખાતે રહેતી જમનાદેવી નામની મહિલા ભ્રૂણ જાતિ પરીક્ષણ કરાવતી હોવાની માહિતી મળતા જ ખાનગી રાહે તપાસ કરી ડીકોય ગોઠવી હતી. ડીકોયના ભાગરૂપે એક ગર્ભવતી મહિલાને તેની પાસે પરીક્ષણ કરાવવા માટે મોકલી હતી. જેથી જમનાદેવીએ આ ગર્ભવતી મહિલાને રેવદરથી 100 કિલોમીટર દૂર ડીસા પાસે ભીલડી ખાતે ડો.કે.બી.પરમાર પાસે લઈને આવી હતી. જ્યાં ડોક્ટરે ગર્ભવતી મહિલા પાસેથી ભ્રૂણ જાતિ પરીક્ષણ કરવાના 40 હજાર રૂપિયા અને મહિલા દલાલ જમનાદેવીને 10 હજાર રૂપિયા દલાલીના લીધા હતા. ત્યારબાદ સોનોગ્રાફી કરી સગર્ભા મહિલાને છોકરો હોવાનું જણાવ્યું હતું.

અગાઉ પણ ડોકટર ભ્રૂણજાતિ પરીક્ષણમાં ઝડપાયો હતો
તે દરમિયાન PCPNDTની ટીમને સંકેત મળતા તરત જ હોસ્પિટલમાં દરોડો પડ્યો હતો અને ભ્રૂણ જાતિ પરિક્ષણ કરતા ડોક્ટર કે.બી.પરમાર અને દલાલ મહિલાની ધરપકડ કરી હતી. સાથે જ સોનોગ્રાફી મશીન સીલ કર્યું હતું. આ અંગે પ્રાથમિક પૂછપરછ કરતા આ ડોક્ટર અગાઉ પણ ભ્રૂણ જાતિ પરીક્ષણ કરતા ઝડપાઈ ચુક્યો હોવા છતાં પણ તેને આ પ્રવૃત્તિ બંધ કરી ન હતી અને ફરી રાજસ્થાનની ટીમના હાથે ઝડપાઈ ગયો છે.

અન્ય સમાચારો પણ છે...