ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. જેમાં સ્પોર્ટ્સ ક્લબ પાસે રખડતા આખલાએ વિદ્યાર્થીને અડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઈ છે.
ડીસામાં સ્પોર્ટ્સ ક્લબ પાસે જાહેર માર્ગ પર પશુઓને ઘાસચારો નાખતા અહીંથી નીકળતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. જેમાં આજે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી જયશ્રી ડાભી નામની વિદ્યાર્થિની તેની બહેનપણીઓ સાથે શિવનગર શાળા તરફ જઈ રહી હતી. તે સમયે રખડતા એક આખલાએ અચાનક દોડી આવી અડફેટે લેતા જયશ્રી રોડ પર પટકાઈ હતી. જેના કારણે તેને મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુના લોકો તેમજ પરિવારજનો આવી પહોંચ્યા હતા અને ઇજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલમાં ખસેડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે, ડીસા શહેરમાં અનેક જગ્યાએ જાહેર માર્ગ પર ઘાસચારો નાખતાં, રખડતા પશુઓ અડિંગો જમાવી દે છે. જેના કારણે રોડ પરથી પસાર થતા લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે. અવારનવાર આવી ઘટનાઓ બનવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી. ત્યારે જાહેર માર્ગ પર ઘાસચારો નાખતા લોકો સામે કડક કાર્યવાહી કરી રખડતા પશુઓના ત્રાસમાંથી શહેરીજનોને મુક્તિ અપાવામાં આવે તેવી લોકોની માગ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.