યુવરાજસિંહને જાનથી મારી નાખવાની ધમકી:ડીસામાં ભાજપના કાર્યકર દ્વારા AAP નેતાને ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાઈ

ડીસાએક મહિનો પહેલા

આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાને બનાસકાંઠાના ડીસામાંથી વધુ એક ધમકી મળી છે. યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી યાત્રા લઈને ગઈકાલે બનાસકાંઠામાં પહોંચ્યા છે અને આજે તેમની આ યાત્રા ડીસા તાલુકાના મુડેઠા ગામે પહોંચવાની હતી. તે પૂર્વે તેમને અલગ અલગ બે નંબર પરથી ભાજપના જ હોદ્દેદારે ધમકી આપી હોવાનું જણાવ્યું હતું.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ રોજગાર ગેરંટી યોજના હેઠળ પ્રચાર કાર્ય શરૂ કર્યું છે. રોજગાર ગેરંટી યોજનાની માહિતી યુવાનો સુધી પહોંચાડવા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દરેક જિલ્લાનો પ્રવાસ કરી રહ્યા છે ત્યારે તેમને ધમકીઓ મળી રહી છે. જેમાં આજે ડીસા પહોંચતા ડીસા તાલુકાના મુડેઠા ગામેથી ભાજપના એક કાર્યકર દ્વારા તેઓને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ અંગે યુવરાજસિંહ જાડેજાએ ડીસા ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, ભાજપના જ એક હોદ્દેદારે મુડેઠા ગામમાં જો રોજગાર ગેરંટી યાત્રા લઈને પહોંચશે તો તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી છે. યુવરાજસિંહે પોલીસ મથકે આ મામલે ફરિયાદ નોંધાવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપના ગુંડાઓની આવી ધમકીઓથી ડરવાના નથી અને તેઓ યુવાનોની વાત લઈને લોકો સમક્ષ જઈ રહ્યા છીએ ત્યારે ભાજપ તેમને કોઈપણ રીતે દબાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે પણ યુવરાજસિંહને લોકોની માફી માગવી જોઈએ તેના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, વારંવાર ભાજપની સરકારમાં પરિક્ષાઓના પેપર ફૂટી રહ્યા હતા ત્યારે યુવાનોની માફી નીતિનભાઈ પટેલે મંગાવી જોઈએ. જોકે હવે આમ આદમી પાર્ટીનો વધતો જતો વ્યાપ ભાજપવાળા પચાવી શકતા નથી અને કાર્યકરો પર હુમલા તેમજ ધમકીઓ આપી પોતાનું ગુંડા તત્વ દેખાડવાનું શરૂ કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...