પોલીસે તપાસના ચક્રોગતીમાન કર્યા:ડીસાની દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ ચેરમેન અને મંત્રી સામે ઉચાપતની ફરિયાદ નોંધાય

ડીસા23 દિવસ પહેલા

ડીસાની બાઈવાડા સીપુ વસાહત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના પૂર્વ મંત્રી અને ચેરમેન સામે રૂપિયા 9.81 લાખ ઉપરાંતની ઉચાપત કરી હોવાની ઘટના સામે આવી છે. જે મામલે જિલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળી ઓડિટરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડીસા તાલુકાના બાઈવાડા ગામે ધી સીપુ વસાહત (બાઈવાડા)દૂધ ઉત્પાદક સહકારી મંડળી આવેલી છે. જેમાં મંડળીના પૂર્વ મંત્રી ગણપતભાઈ વાહજીભાઈ દેસાઈએ તારીખ 21 જુલાઈ 2019ના રોજમેળ મુજબની સિલકના રૂપિયા 9.81 લાખ મંડળીના બેંકના ખાતામાં જમા કરાવેલ ન હતી અને આ રકમ પોતાના અંગત કામમાં વાપરી મંડળીના નાણાંની બારોબાર ઉચાપત કરી હતી. જે બાબતે જિલ્લા રજીસ્ટાર સહકારી મંડળીઓના ઓડિટર વર્ગ 1ના ધ્યાને આવતા તેઓએ મંડળીની વ્યવસ્થાપક કમીટીને આ બાબતે તપાસ કરી વિસ્તૃત રિપોર્ટ જિલ્લા રજીસ્ટાર કચેરીએ મોકલી આપવા જણાવ્યું હતું.

જ્યારે મંડળીની વ્યવસ્થાપક કમિટીને મંત્રી દ્વારા ઉચાપત થઇ હોવાની બાબતે પોલીસ ફરિયાદ કરી એફઆઇઆરની કોપી પણ જિલ્લા કચેરીને મોકલવા જણાવ્યું હતું. જો કે વ્યવસ્થાપક મંડળી દ્વારા ઓડિટરની નોટિસનો કોઈપણ જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી જિલ્લા કચેરીની તપાસમાં ચેરમેન અને વ્યવસ્થાપક કમિટી પણ આ ઉચાપતમાં સામેલ છે તેમ જાણવા મળ્યું હતું. જેથી જિલ્લા રજીસ્ટર સરકારી મંડળીઓના ઓડિટર વર્ગ 1 તરીકે ફરજ બજાવતા જામાભાઈ કલ્યાણભાઈ મકવાણાએ બાઈવાડા સીપુ વસાહત દૂધ ઉત્પાદક સહકારી મંડળીના માજી મંત્રી ગણપતભાઈ વાહજીભાઈ દેસાઈ તેમજ ચેરમેન રાણાભાઇ ચેલાભાઈ દેસાઈ સામે રૂપિયા 9.81 લાખની ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...