ડીસાના પાટણ હાઈવે પર તસ્કરોએ કહેર મચાવ્યો હતો. તસ્કરો પ્રોવિઝન સ્ટોર, સુપર માર્કેટ, મોબાઈલ, ફૂટવેર સહિતની 6 દુકાનોના શટર તોડી રૂપિયા પોણા 2 લાખની માલમત્તાની ચોરી કરી જતા હાહાકાર મચ્યો હતો. આ અંગે જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસે તપાસ હાથ ધરી છે.
અજાણ્યા ઈસમો 38 જોડી બુટ ચપ્પલ લઈ ફરાર
શિયાળાની ઋતુ જામવા લાગી છે. ત્યારે ડીસામાં તસ્કરો પણ ઠંડીની ઋતુનો લાભ લઇ પોતાનો કસબ અજમાવવા મેદાને આવી ગયા છે. ડીસા શહેરના પાટણ હાઇવે પર એસવી પ્લાઝા સામેના માર્ગ પર એક કોમ્પ્લેક્સમાં આવેલી 6 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી હતી. જેમાં તસ્કરોએ ધરણીધર સુપર માર્કેટમાંથી રોકડ રકમ તેમજ કરિયાણાનો મુદ્દામાલ ચોરી કરી હતી. જ્યારે તેની બાજુમાં આવેલી વીર કૃપા પ્રોવિઝન સ્ટોરમાં પણ એક લાખથી વધુનો માલ સામાન ઉઠાવી ગયા હતા. આ ઉપરાંત તસ્કરો બાજુની એ.કે. મોબાઈલ નામની દુકાનમાંથી પણ રોકડ તેમજ મોબાઈલ ફોન મળી રૂ.13 હજારનો મુદ્દામાલની ચોરી કરી હતી. જ્યારે તેની બાજુમાં આવેલી કેનૈયા ફૂટવેર નામની દુકાનમાંથી પણ તસ્કરો 38 જોડી બુટ ચપ્પલ તેમજ રોકડ રકમ ચોરી ગયા હતા. જ્યારે રાધે રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પણ ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.
6 દુકાનોના તાળા તુટ્યા
આ સિવાય તસ્કરોએ અન્ય ત્રણ દુકાનોના શટર તોડ્યા હતા. આમ તસ્કરો કુલ 6 દુકાનોના તાળા તોડી અંદાજીત રૂપિયા પોણા 2 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા. જ્યારે અન્ય દુકાનોમાં શટર તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. આ અંગેની સવારે જાણ થતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. દુકાનદારોએ પોલીસને જાણ કરતા ડીસા દક્ષિણ પોલીસ દોડી આવી હતી અને એફએસએલ તેમજ ફિંગર પ્રિન્ટ નિષ્ણાતો અને ડોગને બોલાવી પોલીસે તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.