જેનો જીવ બચાવ્યો, તેણે જ જીવ લઈ લીધો:ડીસામાં 4 મહિના પહેલાં કૂવામાં છલાંગ લગાવી જેણે નવું જીવન બક્ષ્યું તેને જ છરીના ઘા ઝીંકી રહેંસી નાખ્યો

ડીસા10 દિવસ પહેલા
  • 6થી 8 શખસે હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
  • પોલીસે કારણ શોધવા ચક્રો ગતિમાન કર્યાં

ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ ગામે મોડી રાત્રે એક યુવકની છરાના ઘા મારી નિર્દયી હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. બનાવને પગલે ડીસા તાલુકા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકના મૃતદેહને PM અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે હત્યારો થોડા સમય પહેલાં પત્ની છોડી જવાને કારણે કૂવામાં આત્મહત્યા કરવા કૂદી ગયો હતો, ત્યારે મૃતકે બૂમો પાડી લોકોને એકઠા કરી તેનો જીવ બચાવ્યો હતો. આજે આરોપીએ તેનો જીવ બચાવનારનો જ જીવ છીનવી લીધો છે.

છથી આઠ શખસે હિંસક હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો
ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ ગામે રહેતા અને ખેતી કામ કરતા પોપટજી ઠાકોરની હત્યા થઈ હોવાની ઘટના બની છે. પોપટજી ઠાકોર રાત્રે પોતાના ઘરે હતા એ સમયે તેમના ગામના રહેવાસી મિત્રનો ફોન આવ્યો હતો, જેથી તેઓ તેને મળવા માટે ગામમાં આવ્યા હતા, જ્યાં પહેલેથી જ મોકાની રાહ જોઈ બેઠેલા છથી આઠ શખસે તેની હત્યા કરી હતી. બાદમાં મૃતદેહને મંદિર પાસે ફેંકી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે, રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો છે, રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

યુવકની હત્યા થતાં ગામમાં અરેરાટી ફેલાઈ
રસ્તા પરથી પસાર થતા એક રિક્ષાચાલકે લોહીલુહાણ હાલતમાં પડેલા યુવકને જોઈ ગામના સરપંચ સહિત સ્થાનિક લોકોને જાણ કરી હતી. એ બાદ ડીસા તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી હત્યારાઓની શોધખોળ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે મૃતકના કૌટુંબિક ભાઈ મેહુલ ઠાકોરના જણાવ્યા અનુસાર, ચાર મહિના અગાઉ હત્યા કરનાર રણજિત કૂવામાં પડી આત્મહત્યા કરવા ગયો હતો, એ સમયે મરનાર પોપટજી ઠાકોરે જ તેને બચાવ્યો હતો અને હવે બચાવનાર યુવકની જ હત્યા કરી દેતાં ગામમાં અરેરાટી ફેલાઈ છે.

જેણે જીવ બચાવ્યો તેનો જ જીવ લીધો
મૃતક પોપટજી ઠાકોરના કૌટુંબિક ભાઈ મેહુલ ઠાકોરના જણાવ્યા અનુસાર, આશરે ત્રણ મહિના પહેલાં રણજિત ઠાકોરને તેની પત્ની સાથે બોલાચાલી થતાં તે ગામમાં આવેલા અવાવરૂં કૂવામાં પડી આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે એ સમયે મૃતક પોપટજી ઠાકોર ત્યાં આવેલી દુકાને ખરીદી કરવા ગયો હતો અને આ ઘટના સાંભળી કૂવા પાસે દોડી આજુબાજુના લોકોને બોલાવી રણજિતનો જીવ બચાવ્યો હતો, પરંતુ હવે જે રણજિતે જીવ બચાવનાર પોપટજી ઠાકોરની હત્યા કરતાં અરેરાટી વ્યાપી છે.

અન્ય સમાચારો પણ છે...