વર્તમાન સમયમાં મરચા અને ગરમ મસાલા ભરવાની સિઝન ચાલી રહી છે. ત્યારે મધ્યમવર્ગ માટે આ વર્ષે અસહ્ય ભાવ વધારાને કારણે બારેમાસનો મસાલો ભરવો મોટો આર્થિક બોજો બની ગયો છે. મરચું અને જીરાના ભાવ ગત વર્ષ કરતા દોઢ ગણા વધી જતાં ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. એક તરફ મોંઘવારીના મારથી પ્રજા પીડાઈ રહી છે ત્યારે મરચું અને જીરા સહિત મસાલાના પણ ભાવમાં પણ અસહ્ય ઉછાળો આવતા બારમાસી મસાલો ભરતા લોકોની હાલત કફોડી બની છે. અત્યારે બારમાસી મસાલો ભરવાની સિઝન ચાલી રહી છે અને મોટાભાગે લોકો અત્યારે મરચું, હળદર જીરુ સહિત તમામ મસાલાની ખરીદી એકસાથે કરતા હોય છે.
આ વર્ષે મરચું અને જીરામાં ગત વર્ષ કરતાં 30થી 50 ટકા સુધીનો ભાવવધારો જોવા મળી રહ્યો છે. આમ ગત વર્ષે પિસેલું મરચું 400થી 500 રૂપિયે કિલોના ભાવે મળતું હતું. જેમાં આ વર્ષે 200 રૂપિયા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. કાશ્મીરી મરચું 500 રૂપિયાની જગ્યાએ 1100 રૂપિયા, રેશમપટ્ટો 300ની જગ્યાએ 600, મારવાડ મરચું 250ની જગ્યાએ 500 અને પટણી મરચું 250ની જગ્યાએ 450માં વેચાય છે. જ્યારે જીરુમાં રૂપિયા 40નો વધારો થયો છે. આમ સમગ્ર દેશમાં આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્યમાંથી 85 ટકા મરચાનું ઉત્પાદન થાય છે. ગત ડિસેમ્બર માસમાં ઉપરાછાપરી બે વાવાઝોડા આવી પડતાં મરચાનો પાક ખરી પડયો હતો.
પાકનું નુકસાન ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળતા મરચાનું ઉત્પાદન ઓછું થયું છે. માગ વધી જતા ભાવમાં વધારો થયો છે. આ વર્ષે શિયાળો છેક હોળી સુધી ચાલ્યો, સામાન્ય રીતે શિવરાત્રી પછી ઠંડી તબક્કાવાર ઘટી જતી હોય છે. પરંતુ આ વર્ષે એવું ન બન્યું. ઠંડી છેક હમણાં સુધી રહી. આ સ્થિતિમાં ઠંડક અને ઝાકળ પડવાના કારણે ધાણા જીરૂનો પાક બગડી ગયો હતો. જેના કારણે મોટા પ્રમાણમાં ઉત્પાદનની ઘટ જોવા મળી છે. વીઘા પર 1000 કિલોના ઉત્પાદન સામે ફક્ત 700 કિલો જીરાનું ઉત્પાદન થયું છે. મરચાં અને ગરમ મસાલાના ભાવ વધારા પાછળ પેટ્રોલ,ડિઝલ અને સીએનજીમાં થયેલો ભાવવધારો પણ એક કારણ છે. જોકે ખેતીમાં હવામાનને ઉત્પાદન ઘટ અને ભાવવધારા માટેનું મુખ્ય કારણ વેપારીઓ માની રહ્યા છે.
બે વર્ષ અગાઉ કેરળમાં ભારે વરસાદના કારણે ઈલાયચીનો પાક સાફ થઈ ગયો હતો. તે વખતે પણ ઈલાયચીનો ભાવ 1000ની જગ્યાએ 5000 સુઘી પહોંચ્યો હતો. ત્યારબાદ હવે મરચા અને જીરાના પાક પર પણ માવઠાંનો માર પડતા ભાવમાં તોતિંગ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓનું બજેટ પણ ખોરવાઈ ગયું છે. એક તરફ મોંઘવારી વધી રહી છે લોકોની આવક ઘટી રહી છે અને બીજી તરફ મસાલાના ભાવમાં પણ અસહ્ય વધારાથી કંટાળેલી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.