ડીસામાં પડતર માગણીઓને લઈ આજે મંગળવારથી તમામ તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. તેમણે જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારતા હવે ગ્રામ પંચાયતોમાં લોકોના વહીવટી કામ અટકી પડે તેવી સ્થિતિ સર્જાય છે.
ડીસામાં કુલ 102 ગ્રામ પંચાયતોમાં 70 જેટલા તલાટીઓ ફરજ બજાવે છે
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી તમામ તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. છેલ્લા ઘણા સમયથી 2004માં નોકરીમાં જોડાયા હોય તેવા તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી સહિતની પડતર માગણીઓને લઈ તલાટી મંડળે વારંવાર સરકારમાં રજૂઆત કરી હતી તેમ છતાં પણ હજુ સુધી તેમની સમસ્યાઓનો કોઈ જ ઉકેલ ન આવતા કંટાળેલા તલાટીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે. ડીસામાં કુલ 102 ગ્રામ પંચાયતોમાં 70 જેટલા તલાટીઓ ફરજ બજાવે છે તે તમામ તલાટીઓ આજથી હડતાલ પર ઉતરતા હવે ગ્રામીણ વિસ્તારોમાં લોકોના દાખલા કઢાવવા સહિતના વહીવટી કામો અટકી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે.
ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગા સિવાયની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય
જો કે તલાટીઓએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગા સિવાયની તમામ કામગીરી બંધ રાખવાનો નિર્ણય લીધો છે અને જ્યાં સુધી તેમના પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી તેમની હડતાલ ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારી છે. ઉલ્લેખનીય છે કે અત્યારે પશુપાલન પર નિર્ભર બનાસકાંઠા જિલ્લામાં પણ લમ્પી વાયરસનો કહેર વરસી રહ્યો છે અને અત્યાર સુધી કુલ 63 પશુઓના મોત થયા છે. ત્યારે આવી સ્થિતિમાં તલાટીઓની હડતાલના કારણે ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ મુશ્કેલી વેઠવી પડે તો નવાઈ નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.