દાંતીવાડા બસસ્ટેશન નજીક આવેલ વિજયાસર માતાજીના મંદિરમાંથી રાત્રી દરમ્યાન તસ્કરોએ શિવજીના શિવલિંગ ઉપરથી ચાંદીનો નાગ અને વિજયાસર માતાજીનું છત્ર સહિત અન્ય ચાંદીના દાગીના તેમજ દાનપેટીમાંથી રોકડ રકમ ચોરી ગયા હોવાનું સામે આવતા ભાવિકજનોમાં દુઃખ સાથે રોષની લાગણી ફેલાઇ છે.
દાંતીવાડાના વિજયાસર માતાજીના મંદિરમાંથી તસ્કરો રાત્રીના 2 વાગ્યાની આસપાસ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચીને શિવજીના શિવલિંગ ઉપરથી ચાંદીનો નાગ, માતાજીનું છત્ર અને અન્ય ચાંદીના આભૂષણો સહિત દાનપેટીના રોકડ રૂપિયા પણ ચોરી ગયા હતા.એક લાખ આઠ હજારના ઘરેણાં તેમજ દાનપેટીના રોકડ 70 હજાર મળી કુલ 1 લાખ 78 હજાર જેટલી ચોરી થઈ હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.
બનાવની જાણ દાંતીવાડા પોલીસને કરાતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. મંદિરના પૂજારી કનુભાઈ દલપતભાઈ રાવલએ જણાવ્યું હતું કે સવારે જ્યારે પૂજા કરવા મંદિરે આવ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો જેથી મંદિરની અંદર ચોરી થઈ હોવાનું દેખાયું હતું .ગામલોકોએ ફરિયાદ નોંધાવતા પી.એસ.આઈ એસ.જે દેસાઈએ ડોગ સ્ક્વોડ અને એફ.એસ.એલની મદદ લઇ તસ્કરોને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.