વિવાદ:દાંતીવાડા મામલતદારે વોટસએપ ગૃપમાં બીએલઓને ધમકીભર્યા મેસેજ કરતાં રોષ

દાંતીવાડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોને માનસિક રીતે હેરાન કરી ધરપકડ વોરંટ ઈશ્યુ કરવાની તેમજ તાત્કાલિક બદલી,પગાર અટકાવી દેવાના મેસેજથી કર્મીઓ નારાજ

ગુજરાત ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીમાં સુધારા અને વધારા કરવાની બીએલો તરીકે કામગીરી કરતા શિક્ષકોને દાંતીવાડા મામલતદારે માનસિક રીતે હેરાન કરી ધરપકડ વોરંટ ઈશ્યુ કરવાની તેમજ તાત્કાલિક બદલી તથા પગાર અટકાવી દેવાનું વોટ્સએપ ગ્રુપમાં જણાવતા ચકચાર મચી ગઇ છે.દાંતીવાડા તાલુકામાં બીએલઓ તરીકે કામગીરી કરતા શિક્ષકો ને દાંતીવાડા મામલતદાર માધવી પટેલે ગુજરાત ચૂંટણી પંચનાં નિયમોને નેવે મૂકીને માનસિક રીતે હેરાન કરતા હોવાની બુમરાડ બીએલઓ દાંતીવાડાના વોટ્સએપ ગ્રુપમાં ઉઠી છે.

દાંતીવાડા તાલુકા શિક્ષણ સંઘે પણ મામલતદાર કચેરીએ પહોંચી વિરોધ નોંધાવી ઓનલાઇન કામગીરીથી અળગા રહેવાની અને બીએલઓ ની કામગીરી અન્ય કેડરના કર્મચારીઓને સોંપવાની રજુઆત કરી આવેદનપત્ર આપ્યું છે. આ બાબતે તાલુકા શિક્ષણ અધિકારી નિરૂબા એ કહ્યું હતું કે, આ બાબતની મને વાયા વાયા જાણ થઈ છે. મને લેખિતમાં કોઈ એ જાણ કરી નથી. મારા જાણવા મુજબ શિક્ષક સંઘ દ્વારા આ બાબતે મામલતદારને લેખિત રજુઆત કરી છે.

કામગીરી થોડી નબળી થાય એટલે કહેવું પડે: મામલતદાર
આ બાબતે દાંતીવાડા મામલતદાર માધવી પટેલે જણાવ્યું હતું કે, આ એવું કશું જ નથી. બધા બીએલઓ હાજર રહે જ છે. પણ અમુક ગેરહાજર રહે તો તેમને સૂચન પહોંચતા નથી એટલે કામગીરી થોડી નબળી થાય એટલે ખાલી કહેવા માટે એવું કર્યુ હતું. બધા સારી કામગીરી કરે જ છે. આટલા મોટા સ્ટાફને ટેકલ કરવાનો હોય તો કયારેક કયારેક એક લાઈટ પ્રેસર ક્રિએટ કરતા હોય છીએ. મે એક પણ બિએલઓને નોટિસ આપી નથી આમ કહી ગોળ ગોળ જવાબ આપ્યો હતો.

વોટ્સએપ ગ્રુપમાં થયેલ મેસેજ
મામલતદાર માધવી પટેલ બીએલઓ દાંતીવાડાના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ કર્યા હતા કે, તાત્કાલિક બાકીના બીએલઓ આંકડા ભરશો, નહિતર ગંભીર પગલાં લેવામાં આવશેેે. અડધો કલાક સુધી રાહ જોવામાં આવશે.નહિતર પછી તાત્કાલિક ધોરણે બદલી તથા પગાર અટકાવવાની ગંભીર કાર્યવાહી કરવામાં આવશે. તેમજ ગેરહાજર રહેનાર બીએલઓનો ધરપકડ વોરંટ ઇસ્યુ કરવામાં આવશે.જ્યારે એસ.ઓ દાંતીવાડા ના ગ્રુપમાં મામલતદાર માધવી પટેલે મેસેજ કરી જણાવ્યું હતું,કે મારી છેલ્લી વોર્નિંગ છે. હવે જિલ્લામાંથી ફોન આવી ગયો છે. નોટિસ માટે તાત્કાલિક બાકીના આ શીટ ભરી દેશો. પત્રક પણ બનાવી દો બાકીના પ્રાંત સર હજી રાહ જોઇને ચેમ્બરમાં બેઠા છે. ધરપકડ વોરંટ ઇસ્યુ થશે. મારી સૂચના નથી પ્રાંત સરની છે. હું ખાલી મેસેજ પાસ કરું છું. ત્યારે એક બીએલઓ એ આ વોટ્સએપ ગ્રુપમાં સામે જવાબ આપતા જણાવ્યું હતું,કે હું આવતીકાલે કલેકટર સાહેબ ને મળી વાત કરીશ.માનસિક હેરાન કરવામાં આવે છે.વધુ એક મેસેજમાં બીએલઓ એ કહ્યું કે બેન હવે થાકી હું આવતીકાલે રાજીનામું આપી દઉં છું.તમારી માહિતી ટાઇમ પૂર્ણ થયા પછી અલગ રીતે માંગો છો તો શું કરવાનું. ત્યારે મામલતદાર માધવી પટેલ પણ ફરી મેસેજ કરી જણાવે છે,કે ગ્રુપનું વાતાવરણ બગાડશો નહિ, જે કરવું હોય તે કરો.

અન્ય સમાચારો પણ છે...