દાંતીવાડાના જાત ગામનો યુવક અમદાવાદના સારંગપુર ખાતે પરિવાર સાથે રહેતા હતા. તેઓ રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે શુક્રવારે અમદાવાદથી શંખેશ્વર જતા વિરમગામ પાસે ઓવરટેક કરવા જતા રિક્ષા ખાડામાં પલટી જતાં માથાના ભાગે ગંભીર ઇજા થતાં યુવકનું મોત નીપજ્યું હતું.
જાતના રહેવાસી વિષ્ણુભાઈ ભરતભાઈ ઠાકોર પરિવારનું ગુજરાન ચલાવવા અમદાવાદ સારંગપુર ખાતે રહેતા હતા. તેઓ લોડીંગ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. વિષ્ણુભાઈ ભરતભાઈ ઠાકોર જે શુક્રવારે પોતાની રિક્ષામાં ગાંધીરોડ ખાતેથી પુસ્તકો ભરી શંખેશ્વર જવા નીકળ્યા હતા. સાંજના છ વાગે વિરમગામ કોકતા ફાટક ત્રણ રસ્તા પાસે રિક્ષા એકદમ પુરઝડપે હંકારી ઓવરટેક કરવા જતા સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા રિક્ષા રોડની સાઈડમાં નીચે ખાડામાં પડતા રિક્ષા પલટી મારી ગઇ હતી.
તે સમયે રિક્ષામાં સાથે બેઠેલ યુવક ફંગોળાઇ જતાં તેનો આબાદ બચાવ થયો હતો. જ્યારે વિષ્ણુભાઇને માથામાં ગંભીર ઇજાઓ થતાં તેઓએ 108માં વિરમગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં ડોક્ટરએ મૃત જાહેર કર્યા હતા.પીએમ કરી વિરમગામ પોલીસે ફરિયાદ નોંધી હતી.
વિષ્ણુભાઇના ઘરે શુક્રવારના ચાર દિવસ પહેલા બાળકનો જન્મ થયો હતો. પિતાનું અકસ્માતમાં મોત થતાં ચાર દિવસના બાળકે પિતાની છત્રછાયા ગુમાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.