જીવદયા પ્રેમીઓની માગ:દાંતીવાડા ડેમમાં માછીમારીના બહાને પક્ષીઓનો શિકાર કરતો હોવાનો વિડીયો વાયરલ

દાંતીવાડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શિકારીઓ વિરૂદ્ધ વન વિભાગ તથા વહીવટીતંત્ર દ્વારા કાર્યવાહી કરાય તેવી જીવદયા પ્રેમીઓની માગ

દાંતીવાડા ડેમમાં માછીમારી કરતા શખ્સો હવે ડેમ ઉપર આવતા પક્ષીઓનો પણ શિકાર કરતા હોવાનો વિડિયો વાયરલ થતાં જીવદયા પ્રેમીઓમાં રોષની લાગણી સાથે કાર્યવાહીની માંગ કરી છે. દાંતીવાડા ડેમમાં શિયાળાના સમયમાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ આવતા હોય છે. જેમાં ખાસ કરીને રાજહંસ અને હાડ પક્ષી આવતાં માછીમારી કરતી ટોળકી હવે આ પક્ષીઓનો શિકાર કરવા સક્રિય બની ગઈ છે.

આ શિકારી ટોળકી ડેમમાં પક્ષીઓનો શિકાર કરતો હોવાનો એક વીડિયો પણ વાયરલ થયો છે. જેમાં એક માછીમારી કરતો યુવક પક્ષીનો શિકાર કરીને પોતાની નાવમાં મુકતો હોવાનું દેખી શકાય છે અને કહીં રહ્યો છે કે આજે એક જ પક્ષી પકડ્યું છે. લાકડું (બળતણ) હોય તો અહીં જ બનાવી દઈએ.

રોજ ચાર-પાંચ પક્ષીઓનો શિકાર કરીએ છીએ. બતક પણ મારીએ છીએ, દોડાઈ દોડાઇને થાકી જાય પછી, શિકાર કરીએ છીએ. હિન્દી ભાષી માછીમારી કરતાં શખ્સો હિમાલય, પંજાબ, રાજસ્થાન, હરિયાણા સહિતના વિસ્તારમાંથી આવતા અલગ જાતિના પક્ષીઓનો પણ શિકાર કરતા હોવાની ચર્ચાઓ થઈ રહી છે.

દાંતીવાડા ડેમમાં પક્ષીઓના શિકાર કરવાનો વિડિયો વાયરલ થયા બાદ જીવદયા પ્રેમીઓમાં પણ ભારે રોષની લાગણી ફેલાતા પક્ષીઓના શિકાર કરનાર શિકારીઓ વિરૂદ્ધ વન વિભાગ તથા વહીવટીતંત્ર ઉંઘમાંથી જાગી કાયદેસરની કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આ બાબતે દાંતીવાડા RFO મુકેશ માળીનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વિડિયો અંગે અજાણ હોય તે રીતે ગોળ-ગોળ જવાબનું રટણ કરી કોલ કટ કરી દિધો હતો.’

અન્ય સમાચારો પણ છે...