અમીરગઢ તાલુાકના ઈકબાલગઢમાં એક ખાનગી દવાખાનામાં પાંચ વર્ષના બાળદર્દીને ઇન્જેક્શન અપાયા બાદ મોત થતા પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીનો આક્ષેપ કર્યો છે. બાળકના પરિવારજનો અને ગ્રામજનો દવાખાના પર એકઠા થતા પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. પરિવારજનોએ બાળકનું પેનલ પીએમ કરાવવાની માગ કરી છે. તો બીજી તરફ પોલીસે આ મામલે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
અમીરગઢ તાલુકાના ચેખલા ગામના પાંચ વર્ષીય બાળક સહદેવસિંહ ચૌહાણની તબિયત સારી ન હોવાથી તેમના પરિવારજનો ઈકબાલગઢમાં આવેલા ડો.નીતિન પરમારના ક્લિનિક પર લઈ ગયા હતા. તબીબે બાળકની સારવાર દરમિયાન ઇન્જેક્શન આપતા થોડીવારમાં જ બાળકનું મોત નિપજ્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.
બાળકના મોતના પગલે પરિવારજનો અને મોટી સંખ્યામાં ગામના લોકો દવાખાના પર એકઠા થયા હતા અને ભારે આક્રોશ ઠાલવી તબીબ સામે કાર્યવાહી કરવા માંગ મૃતક બાળકના પરિવારજનોએ માંગ કરી હતી. લોકોની ભીડ વધતા ઘટના સ્થળે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો. આ મામલે પરિવારજનો દ્વારા બાળકના મૃતદેહનું પેનલ પીએમ કરાવવાની માંગ કરવામાં આવી હતી.
અમીરગઢ પોલીસના પીઆઈ એમ. આર. બારોટે જણાવ્યું કે, ઇકબાલગઢ ખાતે ખાનગી હોસ્પિટલના તબીબ દ્વારા ચેખલાના 4 વર્ષના બાળકનું ઈન્જેકશન આપવાથી મોત નીપજ્યું છે. જેને લઈને તેમના વિરુદ્ધમાં ગુન્હો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
તબીબે રિપોર્ટ કર્યા વગર ઇન્જેક્શન આપ્યું
મૃતકના પિતા વિનોદસિંહ ચૌહાણે જણાવ્યું કે મારા પુત્રને સામાન્ય તાવ આવ્યો હતો. જોકે, તબીબે કોઈ પણ રિપોર્ટ કર્યા વગર તેને ઈન્જેકશન આપ્યું હતું. ત્યારબાદ મારા પુત્રને પેટમાં દુખાવો ઉપડ્યો હતો. અને થોડીકવારમાં તેમનું મૃત્યુ થયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.