અમીરગઢના રબારીયા ગામે મંગળવારે ઝાડ ઉપર ફાંસો ખાઈ એક સગીરાએ આપઘાત કરી લીધો હતો. દરમિયાન ગુરુવારે પરિવારજનો તેના મૃતદેહને રબારીયા ગામે તેના મિત્રના ઘર આગળ લઈ ગયા હતા અને ત્યાં ચડોતરૂ કરી ઘરમાં તોડફોડ કરી હતી અને આગચંપી કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. જે બાદ યુવતીના મૃતદેહની અંતિમ વિધિ કરાઈ હતી. જ્યાં જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો દોડી જઇ સ્થિતિ ઉપર નિયંત્રણ મેળવ્યું હતું.
અમીરગઢના રબારીયા ગામની સગીરા તેના મિત્ર સાથે લગ્નમાં ગઈ હતી. જે દરમિયાન મંગળવારે તેનો મૃતદેહ ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રખાયેલા તેના મૃતદેહને લઈને પરિવારજનો સહિત એક હજાર કરતાં વધુ લોકોનું ટોળું ગુરુવારે મિત્રના ગામ ગરાસીયા પુરા ગયા હતા. અને પછી ચડોતરૂ કરાયું હતું. જેમણે આખા ગરાસિયાપુરા ગામને બાનમાં લીધું હતું કેટલાક લોકો ગામ છોડીને નાસી ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ મકાનો સહિત ઘરમાં પડેલ સાધન સામગ્રીની તોડફોડ કરી મોટુ નુકસાન કર્યું હતું. તેમજ વાહનો સહિત મકાનોને ટાર્ગેટ બનાવી માલ સમાનને આગ ચાંપવામાં આવી હતી.
જે બાદ મૃતદેહની ત્યાંજ અંતિમવિધિ કરાઈ હતી.સમગ્ર ઘટનાને લઇને જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા સહિત પોલિસ કાફલો ગરાસિયાપુરા ગામે દોડી આવ્યો હતો. સમગ્ર ગરાસિયાપુરા પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. પોલીસે આઠ- દસ ઇસમોની અટકાયત પણ કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.