વિરમપુરના ધનપુરા ગામ નજીક નદી પર બનાવેલ બ્રિજ 14 વર્ષથી અધુરો પડ્યો હોવાથી ગ્રામજનો સહિત વાહન ચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. વિરમપુર વિસ્તારના 35 જેટલા ગામોને જોડતો આ બ્રિજ શોભાના ગાંઠિયા સમાન અધુરો પડ્યો હોવાથી સ્થાનિકો રોષે ભરાયા છે. તંત્રને અવાર-નવાર લેખિત તેમજ મૌખિક રજુઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
ધનપુરા નજીક નદી પર બ્રીજ બનાવવા માટે 2009 ના વર્ષમાં દાંતા ધારાસભ્ય વસંતભાઈ ભટોળના હસ્તે ખાતમુર્હૂત કરવામાં આવ્યું હતું. તે વાતને આજે 14 વર્ષ થયા હોવા છતાં આ બ્રિજ ની કામગીરી પૂર્ણ થઈ નથી.
જેને લઈને વિરમપુર વિસ્તારના 35 ગામોના લોકોને તાલુકા મથકે અમીરગઢમાં સરકારી કામે જવા માટે 20 થી 25 કિલોમીટર ફરીને અમીરગઢ જવું પડી રહ્યું છે. આ બ્રિજને બનાવવા માટે કેટલી કંપનીઓ આવીને જતી રહી પરંતુ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી. આ અધુરા પડેલા બ્રિજમાં વચ્ચેના ભાગે તિરાડો પડી ગઈ છે.
ચૌદ વર્ષથી આ બ્રિજ અધુરો પડ્યો
ચૌદ વર્ષથી આ બ્રિજ અધુરો પડ્યો છે. જેને લઈને અમારા વિરમપુર વિસ્તારના 35 જેટલા ગામોના લોકોને તાલુકા મથક અમીરગઢ જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અધુરા પડેલા બ્રિજમાં કોની ભૂલ છે કોન્ટ્રાકટર કે પછી સરકાર અમને સમજાતું નથી. સરકાર દ્વારા આ બ્રિજને ઝડપી પૂરો કરવામાં આવે તો અમારે આ સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 14 વર્ષ જેટલો સમય થયો હોવા છતાં આ બ્રિજ કેમ અધુરો પડ્યો છે તે પણ એક સવાલ ઉભો થયો છે.’મંછાભાઈ કાનાભાઈ ગમાર (સરપંચ,ધનપુરા (વી)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.