માઇભક્તોની માં અંબા પર શ્રધ્ધા:પતિ કોરોનામાંથી સાજા થઈ જતા પત્ની, તો દેરાણીને સંતાન અવતરતાં જેઠાણી મા અંબાનાં દર્શને નીકળ્યાં

અંબાજી20 દિવસ પહેલાલેખક: મુકેશ ઠાકોર
  • કૉપી લિંક
  • ત્રિશૂળિયાની જેમ આંબા ઘાટ ચઢતા પણ મા અંબા અમારાં પારખાં લે છે

સાંજના પાંચ વાગ્યા છે. દાંતાથી સતલાસણા વચ્ચે આવેલા આંબાઘાટના ઢોળાવ ઉપર એકબીજાનો હાથ પકડી ‘જય અંબે બોલ માડી અંબે’ના જયઘોષ અને હાથમાં મા અંબા પ્રત્યે શ્રદ્ધાના પ્રતીક એવી લાલ ધજા અને સંખ્યાબંધ માનાં રથડા સાથે માઇભક્તોનો પ્રવાહ યાત્રાધામ અંબાજી ભણી આગળ ધપી રહ્યો છે.

માઈભક્તો અંબાજી જવા પગપાળા પસાર થઈ રહ્યા છે
આ અતૂટ માનવસાંકળને અંબાજી સુધી પહોંચતા એક ત્રિશુળિયો અને બીજો આ આંબાઘાટમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ માર્ગ ઉપર અમદાવાદ, ગાંધીનગર, વિસનગર, સતલાસણા સહિત 1000થી વધુ ગ્રામીણ વિસ્તારોના માઈભક્તો અંબાજી જવા પગપાળા પસાર થઈ રહ્યા છે. અમદાવાદ વાસણાથી છેલ્લાં 8 વર્ષથી માતાજીના રથ સાથે અંબાજી જતા જયંતીભાઈએ જણાવ્યું કે પ્રથમ આંબાઘાટ ચઢતી વખતે મા અમારાં પારખાં લે છે. જોકે, એ જ મા અમને શક્તિ પણ આપે છે.

પોતાની માનતા પૂરી કરવા માટે પદયાત્રા કરી રહ્યા છે
યાત્રાધામ અંબાજી ભાદરવીનો મેળો કોરોના પછી બે વર્ષ બાદ યોજાઇ રહ્યો છે. જેમાં અનેક શ્રદ્ધાળુઓ પોતાની માનતા પૂરી કરવા માટે પદયાત્રા કરી રહ્યા છે. જેમાં કોરોનામાં છેલ્લા સ્ટેજે રહેલા પતિનો જીવ બચી જતા તેમની પત્ની પગપાળા મા અંબાના દર્શને ચાલી નીકળી છે. આશાબેન નામની આ મહિલા કહે છે કે છેલ્લાં ૨૬ વર્ષથી પગપાળા યાત્રા કરીને માના ધામમાં જઈએ છીએ. પરંતુ આ વખતે જવાનો આનંદ જ કંઈ અપાર છે.

માનતા પૂરી થતાં માથે ગરબો ઉપાડીને માના દર્શને નીકળ્યાં
મારા પતિને કોરોના થયો હતો. એ વખતે મા અંબાને કરગરીને પ્રાર્થના કરી હતી કે જો તેમનો જીવ બચી જશે તો મા તારા પારે પગપાળા ચાલીને આવીશ. અને જાણે ચમત્કાર થયો હોય એમ થોડાક જ દિવસોમાં તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. તો સિદ્ધપુર તાલુકાના ઠાકરાસણા ગામના અપંગ દંપતીને ત્યાં શેર માટીની ખોટ હતી. જે પૂરી થાય તે માટે જેઠાણીએ માનેલી માનતા પૂરી થતાં માથે ગરબો ઉપાડીને માના દર્શને નીકળ્યાં છે. ઠાકરાસણાના અપંગ કેતનભાઇ અને હસુમતી પંચાલના ઘરે વર્ષોથી શેર માટીની ખોટ હતી. તેમનાં ઘરે પારણું બંધાય તે માટે તેમનાં જેઠાણી કોકિલાબેન શૈલેશભાઈ પંચાલે માનતા માની હતી. અને તેમના ઘરે પુત્રનો જન્મ થતાં કોકિલાબેન માથે ગરબો ઉપાડી માનાં દર્શન કરવા જઈ રહ્યાં છે.

પહાડ તોડીને રસ્તો કરવામાં આવતા માઇભક્તોની મુશ્કેલી ઘટી
અંબાજી જતા માર્ગ ઉપર આંબાઘાટના 12 કિલોમીટરના માર્ગમાં 5 ડુંગરોનું કટિંગ કરી 68 કરોડના ખર્ચે ફોર લેન માર્ગ બનાવાયો છે. એવી જ રીતે ખેરોજ-અંબાજી વચ્ચેનો 24 કિલોમીટરનો રોડ 10 ડુંગરો કાપી 161.90 કરોડના ખર્ચે અને દાંતા- પાલનપુરનો 28 કિલોમીટરનો રસ્તો રૂપિયા 91.25 કરોડના ખર્ચે ફોર લેન બનાવવામાં આવ્યો છે. જેના કારણે આ વર્ષે યાત્રિકોની મુશ્કેલીઓ ખૂબ જ ઓછી થઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...